માલેગાંવ: સ્ટ્રીટ લાઈટો માટે ફરિયાદ કરવા ગયેલા નાગરિકોએ માલેગાંવ મહાપાલિકાના વીજ વિભાગની ઑફિસમાં સામૂહિક નમાઝ પઢતાં થયેલા ભારે વિરોધ બાદ પોલીસે સાત જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હવે સ્થાનિક સંઘટનાના સાતેય કાર્યકરને માથે ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે.
પાલિકાના વીજ વિભાગના અધિકારી કામ નિમિત્તે બહાર ગયા હતા ત્યારે સોમવારની સાંજે આ ઘટના બની હતી. ફરિયાદ કરવા ગયેલા લોકોએ અધિકારીની ઑફિસમાં જ નમાઝ પઢી હતી, જેને પગલે હિંદુવાદી સંઘટનાએ વિરોધ દર્શાવ્યો હતો. આ મામલો રાજકીય વર્તુળોમાં ગરમાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
વીજ વિભાગના કર્મચારી મહેન્દ્ર સાવંતની ફરિયાદને આધારે કિલ્લા પોલીસે લુકમાન કમાલ, સલીમ એક્કા અને અન્ય પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીઓ ઑફિસમાં આવ્યા ત્યારે અધિકારી કામ નિમિત્તે બહાર ગયા હતા. તેથી ઉદ્ધત વર્તન કરી ઑફિસમાંની ખુરશીઓ અસ્તવ્યસ્ત કરી નાખી હતી. પછી એ સ્થળે નમાઝ અદા કરી હતી. આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતાં તેમણે દમદાટી આપીને ધક્કામુક્કી કરી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
માલેગાંવ શહેરમાં ઠેર ઠેર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી તેના સમારકામ માટે ફરિયાદ કરવા છતાં તેના પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. પરિણામે ફરિયાદ લઈને નાગરિકો પાલિકાના વીજ વિભાગના અધિકારી પાસે ગયા હતા. અધિકારી હાજર ન હોવાથી નાગરિકો નામઝ પઢવા લાગ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સાંજે નમાઝનો સમય થયો હોવાથી વિરોધ દર્શાવવા નમાઝ પઢવામાં આવી હતી.