(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: જિલ્લાના મહુવા પંથકમાં જનજીવન અને વાહનવ્યવહાર માટે મહત્વનો ગણાતો માલણ નદી પરનો પુલ અચાનક જર્જરિત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પુલમાં મોટા ગાબડાં પડવાને કારણે મોડી રાત્રે જ આ પુલ પરથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આશરે ૧૫ જેટલા ગામોનો તાલુકા મથક સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માલણ નદી પરના પુલની નીચેના ભાગમાં મોટા ગાબડાં દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પુલની ગંભીર સ્થિતિને જોતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તંત્ર દ્વારા તાબડતોબ નિર્ણય લઈને મોડી રાતથી જ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે પુલને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો હતો.
પુલ બંધ થવાને કારણે મહુવા તાલુકાના ૧૫થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ખાસ કરી ને દૂધ અને શાકભાજીની હેરાફેરી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે.અભ્યાસ અર્થે મહુવા આવતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્ર દ્વારા હાલમાં વાહનવ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાયપાસનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, કાચા રસ્તા અને લાંબા અંતરને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે પુલનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે જેથી જનજીવન ફરી પાટા પર ચડી શકે.