(અમારા પ્રતિનિધિ તરફથી)
સાતારા: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાતારાની મુલાકાતની પૃષ્ઠભૂમિમાં, કોરેગાંવના વિધાનસભ્ય મહેશ શિંદેએ ખુલ્લેઆમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. સાતારામાં શિવસેના શિંદે જૂથમાં શંભુરાજ દેસાઈ અને મહેશ શિંદે વચ્ચેનો વિવાદ હવે સામે આવ્યો છે. જિલ્લા પરિષદની ચૂંટણીમાં બંને વચ્ચેના વિવાદની ચિનગારી હવે વધુ તીવ્ર બનવાના સંકેતો છે. તેમણે કહ્યું કે રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કારણે તેઓ શિવસેનાના વિધાનસભ્ય બની શક્યા છે અને કાયમ ફડણવીસ સાથે જ રહેશે.
પક્ષમાં આંતરિક વિવાદ
મહેશ શિંદેએ પાલક પ્રધાન શંભુરાજ દેસાઈની ટીકા કરતાં જણાવ્યું હતું કે તેમને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત અને પાર્ટીના સત્તાવાર કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. ‘શંભુરાજ દેસાઈ શરૂઆતથી જ મારી સાથે અલગ વર્તન કરી રહ્યા છે. તેમણે મને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું નથી. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી મારો ફોટો બેનર પર નથી,’ એવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો. આ જિલ્લામાં શિવસૈનિકો ક્યાં છે? એવો સવાલ તેમણે કહ્યું હતું.
વિધાનસભ્ય મહેશ શિંદેએ આ સમયે ભાજપ સાથેની પોતાની નિકટતાનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘2019માં કોરેગાંવમાં શિવસેના-ભાજપ ગઠબંધન હતું. તે સમયે દેવેન્દ્ર ફડણવીસે શબ્દ આપ્યો હતો, તેથી હું શિવસેનાના ચિહ્ન પર લડ્યો હતો. મારી પત્ની પણ શિવસેનામાંથી ચૂંટાઈ આવી હતી, અમે શરૂઆતથી જ ભાજપ સાથે કામ કરી રહ્યા છીએ,’ એમ પણ તેમણે કહ્યું હતું.
વિધાનસભ્ય મહેશ શિંદેએ પાલક પ્રધાન શંભુરાજ દેસાઈ પર સીધું નિશાન તાકતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ સુધી પાલક પ્રધાન હોવા છતાં, તેઓ 30 સભ્યો સુધી પહોંચી શક્યા નહીં. જિલ્લા પરિષદ પ્રમુખની ચૂંટણીમાં શંભુરાજ દેસાઈએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણ કર્યું હતું. જોકે, મહેશ શિંદેએ ભાજપ સાથે હાથ મિલાવીને શિવસેના શિંદે જૂથ અને રાષ્ટ્રવાદી પાર્ટીને મોટો ઝટકો આપ્યો હતો. એ વખતે મોટા નાટકીય ઘટનાક્રમ થયા.