ભારે વરસાદ અને લેન્ડસ્લાઈડને કારણે મુંબઈ-પુણે વચ્ચેનો સંપર્ક તૂટ્યો, 48 કલાકમાં 13 લોકોના મોત અને અનેક ટ્રેનો રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, જેમાં લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની ટ્રેનો રદ કરવાની સાથે રોડ અને હવાઈ ટ્રાફિક પર ગંભીર અસર થઈ હતી. પુણેમાં ભારે વરસાદ ભૂસ્ખલનને કારણે બે લોકોનાં મોત થયા હતા, જ્યારે 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે આવતીકાલે નાશિકમાં વાદળ ફાટવાની સંભાવના છે, તેથી ત્ર્યમ્બકેશ્વર મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ મંદિરોની સાથે પર્યટન સ્થળોને બંધ રાખવાની સ્કૂલ-કોલેજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રેલ ટ્રાફિક પર અસર પડી હતી, જ્યારે અનેક નદીઓમાં પૂર આવવાથી નૌકાદળને એલર્ટ કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જે જરુરિયાત પડે તો મદદ માટે ભારતીય નૌકાદળ તૈયાર છે.
17 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ કરાઈ

મુશળધાર વરસાદને કારણે હવાઈ સેવા પર પણ ગંભીર અસર પડી હતી. ખરાબ હવામાનને કારણે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની ફ્લાઈટ સેવા પર ગંભીર અસર પડી હતી. રવિવારના રાતના 12 વાગ્યાથી સોમવારે સાંજના પાંચ વાગ્યા સુધી 17 ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરી હતી, જ્યારે 365 ફ્લાઈટ્સનું સંચાલન પણ કલાકો સુધી વિલંબિત થયું હતું, જેને કારણે હજારો પ્રવાસીઓને ફ્લાઈટની રાહ જોવામાં હાલાકી પડી હતી. ભારે વરસાદને કારણે હવાઈ સેવા પર અસર થવાથી નાગપુરના એક પ્રધાન સહિત અન્ય વિધાનસભ્યો પણ શહેરના એરપોર્ટ પર ફસાઈ ગયા હતા અને જેને કારણે સોમવારના મોન્સૂન સત્રમાં પણ પહોંચી શક્યા નહોતા. ખરાબ હવામાનને કારણે રાજ્યના મંત્રી ચંદ્રશેખર બાવનકુળે અને અન્ય વિધાનસભ્યોએ પોતાના ટૂર પ્લાન કેન્સલ કરવા પડ્યા હતા, જ્યારે કોંગ્રેસના વિધાનસભ્યએ વિધાનસભાનું સત્ર વધારવાની અપીલ કરી હતી.
રાયગઢ, થાણે, રત્નાગિરી જિલ્લાની નદીઓ જોખમી સ્તરે
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મહારાષ્ટ્રના ઘાટ સેક્શનમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર પડી હતી, જેમાં અનેક ટ્રેનો રદ અથવા ડાઈવર્ટ કરવાને કારણે મંગળવારનો દિવસ પ્રવાસીઓ માટે અમંગળ રહ્યો હતો. મોડી રાતથી રેલવે ટ્રેક અને રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ભૂસ્ખલનને કારણે ટ્રેનસેવા ઠપ થઈ ગઈ હતી, જેમાં દક્ષિણ ભારતની અનેક ટ્રેનોનો પણ સમાવેશ થયો હતો. ઉલ્હાસ નદીના જળસ્તરમાં તીવ્ર વધારો થયો છે, જેને કારણે વાંગણી સ્થિત કુડસાવરે પુલ સંપૂર્ણ જળમગ્ન બન્યો છે, પરિણામે અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યમાં રાયગઢ, થાણે અને રત્નાગિરી જિલ્લાની અનેક નદીઓ જોખમી નિશાના પર વહી રહી છે, જેમાં અંબા, કુંડલિકા, સાવિત્રી, ઉલ્હાસ, જગબુડીનો સમાવેશ થાય છે.
ત્રણ દિવસમાં 600 મિલિમીટરથી વધુ વરસાદ
જિલ્લામાં પડેલા ભારે વરસાદ વચ્ચે ચાર કલાકમાં 140 મિલિમીટરથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે રવિવારે 327 અને ચોથી જુલાઈના 162 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. લોનાવલા અને કર્જત વચ્ચેના દક્ષિણ પૂર્વ ઘાટ મંકી હિલ લૂપ કેબિન અને ઠાકુરવાડી વચ્ચે ભૂસ્ખલનને કારણે સમગ્ર વિસ્તારમાં રેલવે ટ્રેક પર કાટમાળ અને કાંપ આવી ગયો હતો, પરિણામે દેશના સૌથી વ્યસ્ત રેલવે રુટ પર અસર પડી હતી. ટ્રેકના મરમ્મત અને કાટમાળ-કાંપને હટાવવા માટે ટ્રેનસેવાને સ્થગિત કરવામાં આવી હતી. અવિરત વરસાદને કારણે કામગીરી કરવામાં થોડો વિલંબ થયો હતો. રેલવેએ મરમ્મત કામ માટે સ્પેશિયલ ટીમને તહેનાત કરવામાં આવી છે, પરંતુ ભૂસ્ખલનને કારણે મુંબઈ-પુણે રુટની તમામ ટ્રેન પર અસર થઈ છે, જેમાં ઈન્દ્રાયણી અને સિંહગઢ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
મુંબઈ-પુણે ટ્રેનવ્યવહાર સંપૂર્ણ ઠપ

આજની 17 ટ્રેન સહિત 31 ટ્રેનના રુટને ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. અઢાર ટ્રેનને શોર્ટ ટર્મિનેટ તથા અનેક ટ્રેનોના શેડ્યૂલ બદલવામાં આવ્યા હતા. આજે આટલી ટ્રેનો રહી હતી રદ સીએસએમટી – પુણે ઇન્દ્રાયણી એક્સપ્રેસ (22105), પુણે – સોલાપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ (12169), સોલાપુર – પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ (12170), પુણે – સીએસએમટી ઇન્દ્રાયણી એક્સપ્રેસ (22106), સીએસએમટી – પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ (12127), પુણે – સીએસએમટી ઇન્ટરસિટી એક્સપ્રેસ (12128), સીએસએમટી – પુણે ડેક્કન એક્સપ્રેસ (11007), પુણે – સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ (11008), પુણે – સીએસએમટી ડેક્કન ક્વીન એક્સપ્રેસ (12124), સીએસએમટી – પુણે ડેક્કન ક્વીન એક્સપ્રેસ (12123), પુણે – સીએસએમટી પ્રગતિ એક્સપ્રેસ (12126), સીએસએમટી – પુણે પ્રગતિ એક્સપ્રેસ, પુણે – સીએસએમટી સિંહગઢ એક્સપ્રેસ, સીએસએમટી – પુણે સિંહગઢ એક્સપ્રેસ, સીએસએમટી – ધુળે એક્સપ્રેસ, ધુળે – સીએસએમટી એક્સપ્રેસ અને સીએસએમટી – સોલાપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
48 કલાકમાં 13 લોકોનાં મૃત્યુ, 10 ઘાયલ
મહારાષ્ટ્રમાં પાટણ ગાંવમાં સવારના 5.26 વાગ્યે ભૂસ્ખલન થયું હતું, જેમાં ત્રણથી ચાર લોકો દબાયા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી, જ્યારે બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી હતી. પુણેના માવળ ઘોરાવાડી ખાતે ભૂસ્ખલન પછી પચીસ લોકોને બચાવવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં અલગ અલગ પ્રકારના બનાવમાં કુલ 13 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે કુલ 10 લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, 60થી વધુ ઘરોને નુકસાન થયું છે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ વાહનવ્યવહાર પર અસર થઈ હતી. છઠ્ઠી જુલાઈના રેકોર્ડ બ્રેક વરસાદ લોનાવલામાં નોંધાયો હતો, ત્યાર પછી ખપોલી, માથેરાન, કર્જતનો સમાવેશ થાય છે. ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 17 ટીમને તહેનાત કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની છ ટીમ તહેનાત કરી છે.