નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ડેટોનેટર અને ખાણકામ વિસ્ફોટકો બનાવતી કંપનીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વિસ્ફોટ વિસ્ફોટક બનાવતીમાં થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અત્યારે ઘાયલોની નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 15 લોકોના મોત
આ બ્લાસ્ટ અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આ બ્લાસ્ટ કાટોલના રાઉલગાંવમાં આવેલા ખાણકામ અને ઔદ્યોગીક કાર્યો માટે વિસ્ફોટક પદાર્થ બનાવતી કંપની એસબીએલ એનર્જી લિમિટેડના કારખાનામાં થયો છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જે 15 લોકોના મોત થયાં છે તેમાં મોટાભાગની મહિલાઓ સામેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટ થયો તે ફેક્ટરી નાગપુર શહેરથી 25 કિમી દૂર આવેલી છે.
નાગપુરમાં ડેટોનેટર અને ખાણકામ વિસ્ફોટકો બનાવતી કંપનીમાં વિસ્ફોટ; 15 થી વધુ લોકોના મોત: સૂત્ર#nagpur #Blast #Explosiongunpowderfactory #Maharashtra pic.twitter.com/hhv0uuYXeX
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) March 1, 2026
સવારે સાત વાગ્યાની આસપાસ થયો ભયાનક બ્લાસ્ટ
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ બ્લાસ્ટ આજે સવારે સાત વાગ્યાની આસપાસ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે આસપાસના વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો.
વિસ્ફોટક બનાવતી કંપનીના નોનલ ક્રિમ્પિંગ પ્લાટમાં આ બ્લાસ્ટ થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ થયો ત્યારે 35 કર્માચારીઓ ફેક્ટરીમાં હાજર હતા, જેથી દરેક કર્મચારીઓ બ્લાસ્ટની ચપેટમાં આવ્યાં હતાં, જેમાંથી 15ના મોત થયાં છે, બાકીના કર્મચારીઓ સારવાર હેઠળ છે.
પોલીસે બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું
આ ઘટના મામલે કલમેશ્વર પોલીસે બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે. સ્થાનિકો દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કંપની ઔદ્યોગિક વિસ્ફોટકોની મુખ્ય ઉત્પાદક છે, જેમાં ખાણકામ અને માળખાગત પ્રોજેક્ટ્સમાં વપરાતી સામગ્રી જેમ કે ડેટોનેટર અને વિસ્ફોટક કારતુસનો સમાવેશ થાય છે. આ બ્લાસ્ટના કારણે સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો થઈ રહ્યાં છે.