Fri May 01 2026

Logo

મહારાષ્ટ્રમાં જમીન માપણીની કામગીરી વેગવંતી બનશે: સરકાર ૨૦૦ ખાનગી સર્વેયરની કરશે નિમણૂક...

2026-03-10 19:37:35
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રમાં જમીન માપણીના બાકી કેસોના નિકાલ માટે સરકાર ૨૦૦ ખાનગી સર્વેયરોની નિમણૂક કરવામાં આવશે. મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જમીન માપણીના બાકી કેસોની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ૨૦૦ લાઇસન્સ ધરાવતા ખાનગી સર્વેયરોની નિમણૂક કરશે, અને તેઓ ૩૦ માર્ચથી સ્થળ પર કામગીરી શરૂ કરશે.

રાજ્ય વિધાનસભામાં બોલતા બાવનકુળેએ જણાવ્યું હતું કે, જમીન માપણીના કેસોનો બેકલોગ ઘટાડવા અને નાગરિકોને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિસ્ટમ દ્વારા જમીન માપણીનું કામ ૧૫ થી ૩૦ દિવસમાં પૂર્ણ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

હાલમાં, મહેસૂલ વિભાગમાં સ્ટાફની અછતને કારણે જમીનના પેટાવિભાગ, સીમાઓ નક્કી કરવા, ખેતીની જમીનને બિન-કૃષિ ઉપયોગ માટે રૂપાંતરિત કરવા અને 'ગુંઠેવારી' પ્લોટ સંબંધિત ઘણા કેસ પેન્ડિંગ છે. 

આ સમસ્યાના ઉકેલ માટે, સરકારે બે ખાનગી એજન્સીઓ દ્વારા ૨૦૦ લાઇસન્સ પ્રાપ્ત ખાનગી સર્વેયરોને કાર્ય આદેશ આપ્યો છે. આ સર્વેયરોને કામ શરૂ કરતા પહેલા બે અઠવાડિયાની ખાસ તાલીમ આપવામાં આવશે. 

ખાનગી સર્વેયરો સરકારી અધિકારીઓ સાથે મળીને કામ કરશે. સર્વે નકશા, અહેવાલો અને જીઆઇએસ કોઓર્ડિનેટ્સ સીધા સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે, જ્યારે અંતિમ વેરિફિકેશન લેન્ડ રેકોર્ડ વિભાગના નાયબ અધીક્ષક દ્વારા કરવામાં આવશે. જો કોઈ ભૂલ જણાશે તો ખાનગી સર્વેયરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.