Mon Jun 08 2026

Logo

10 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી: અશ્વિની ભીડે મુંબઈના પહેલા મહિલા કમિશનર બન્યા

2026-03-31 19:10:49
Author: Vipul Vaidya
Article Image

દોઢ વર્ષમાં તુકારામ મુંડેને નવી જવાબદારી, લોકેશ ચંદ્ર મુખ્ય પ્રધાન કાર્યાલયમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: આર્થિક વર્ષના છેલ્લા દિવસે મહારાષ્ટ્રમાં 10 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. અશ્ર્વિની ભીડે, લોકેશ ચંદ્ર, તુકારામ મુંઢેને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.મહારાષ્ટ્ર વહીવટીતંત્રમાં આમુલ ફેરફારના ભાગરૂપે એક સાથે 10 વરિષ્ઠ સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આમાં, મુખ્ય પ્રધાનના એડિશનલ ચીફ સેક્રેટરી અશ્વિની ભીડેને મુંબઈ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભીડે મુંબઈ મહાનગરપાલિકાના પહેલા મહિલા કમિશનર બન્યા છે. ભીડેના સ્થાને 1993 બેચના લોકેશ ચંદ્રાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ, તેઓ મહાવિતરણના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. ભીડે મુંબઈ મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ, શિયાળુ સત્ર જેવા વિવિધ કારણોસર છેલ્લા છ મહિનાથી મહારાષ્ટ્રમાં ચાર્ટર્ડ અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓની બદલીઓ થઈ ન હતી. તેથી, માર્ચના અંત સુધીમાં આ બદલીઓ થશે તે નિશ્ર્ચિત માનવામાં આવતું હતું. તે મુજબ, ચાર દિવસ પહેલાં (28 માર્ચ) કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ, મંગળવારે (31 માર્ચ) મુખ્ય પ્રધાનના કાર્યાલયથી મુંબઈ મ્યુનિસિપલ કમિશનરમાં સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે.કૃષિ અને પશુપાલન વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત વિકાસ ચંદ્ર રસ્તોગીને નાણા વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી (આર્થિક સુધારા) તરીકે બદલી કરવામાં આવી છે. હાલમાં આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને પુનર્વસન, મહેસૂલ અને વન વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્યરત વિનીતા વેદ સિંઘલને માટી અને જળ સંરક્ષણ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે.
નાનાજી દેશમુખ કૃષિ સંજીવની પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત પરિમલ સિંહને કૃષિ વિભાગમાં સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, વરિષ્ઠ સનદી અધિકારી તુકારામ મુંઢેની ફક્ત દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બદલી કરવામાં આવી છે. દિવ્યાંગ કલ્યાણ વિભાગમાં સેક્રેટરી રહેલા મુંઢેને હવે આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને પુનર્વસન, મહેસૂલ અને વન વિભાગમાં સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. 21 વર્ષની કારકીર્દીમાં મુંઢેની આ 24મી બદલી છે. લહુ માળીને શિવશાહી પુનર્વસન પ્રોજેક્ટ લિમિટેડ, મુંબઈના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માણિક ગુરસાલને તુકારામ મુંઢેના સ્થાને દિવ્યાંગ કલ્યાણ વિભાગના સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેટ ટેક્સ વિભાગ, મુંબઈમાં જોઈન્ટ કમિશનર તરીકે કાર્યરત પ્રેરણા દેશભ્રતારને મત્સ્યઉદ્યોગ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ કમિશનર તરીકે કાર્યરત પૃથ્વીરાજ બી. પી.ને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે મોકલી આપવામાં આવ્યા છે.