6,50,000 કરોડ રૂપિયાના કરાર, 1.25 લાખ નોકરીઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ઉર્જા સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા અને દેશમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મહારાષ્ટ્ર આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં રાજ્યમાં આવનારાં રોકાણ ચોક્કસપણે દેશને ઉર્જા સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની શક્તિ આપશે. તેમણે એવી પણ ખાતરી પણ આપી હતી કે રાજ્યમાં પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરવામાં રસ ધરાવતી કંપનીઓને સરકાર સંપૂર્ણ સહયોગ આપશે.
મંત્રાલય ખાતે યોજાયેલી બેઠકમાં ચાર કંપનીઓએ પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં રાજ્ય સરકાર સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આમાં એનટીપીસીએલ (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ), અદાણી પાવર કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, લલિતપુર પાવર જનરેશન કંપની લિમિટેડ (બજાજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ)નો સમાવેશ થાય છે. આ બેઠકમાં પરંપરાગત ઉર્જા મંત્રી અતુલ સાવે, ઉર્જા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી આભા શુક્લા, એનટીપીસી લિમિટેડના ચીફ જનરલ મેનેજર એ.પી. સામલ, અદાણી પાવર કંપનીના બિઝનેસ હેડ વિવેક શર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ન્યુક્લિયર એનર્જી બિઝનેસના પ્રમુખ રંજય શરણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે વિશાળ તકો છે. સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં પરમાણુ ઉર્જા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્રમાં રોકાણ દ્વારા રાજ્ય ઉર્જા ઉત્પાદનમાં ઝડપથી પ્રગતિ કરશે. આ રોકાણ માત્ર ઉર્જા ઉત્પાદન માટે ફાયદાકારક જ નહીં, પરંતુ રોજગારની તકો પણ પૂરી પાડશે. સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં મહારાષ્ટ્ર હંમેશા દેશમાં અગ્રેસર રહેશે.
કંપનીઓએ એમઓયુ અમલમાં મૂકવા માટે ઝડપી કાર્યવાહી કરવી જોઈએ. સંબંધિત કંપનીઓએ પ્રોજેક્ટ સ્થળોનો સર્વે કરવો જોઈએ. રાજ્ય સરકારનો સંબંધિત વિભાગ આ કાર્યમાં તેમને સહયોગ કરશે, એમ પણ મુખ્ય પ્રધાન ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું. આ પ્રસંગે ઉર્જા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી આભા શુક્લા અને કંપનીઓના સંબંધિત અધિકારીઓ વચ્ચે કરારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
અદાણી પાવર લિમિટેડ રાજ્યમાં રૂ. 1.50 લાખ કરોડનું રોકાણ કરશે, જે 6,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. તે 12,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું પણ સર્જન કરશે તેવી અપેક્ષા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. બે લાખ કરોડનું રોકાણ કરશે. તે 7,200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે અને એક લાખથી વધુ રોજગારીનું સર્જન કરશે.
એનટીપીસી લિમિટેડ રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે અને 7,200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. તે 5,000 રોજગારીનું સર્જન કરશે. લલિતપુર પાવર જનરેશન કંપની લિમિટેડ (બજાજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ) રાજ્યમાં રૂ. બે લાખ કરોડનું રોકાણ કરશે. તે 5,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે અને 3,000 રોજગારનું સર્જન કરશે. આમ, રાજ્યમાં કુલ રૂ. 6.50 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે, જે 25,400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે અને 1,23,500 રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.