Sat Sep 05 2026

Logo

મહારાષ્ટ્રના 6 લાખથી વધુ ખેડૂતોને 2017ની લોન માફી યોજનાનો લાભ હજુ મળ્યો નથી: પ્રધાનની કબૂલાત...

2026-02-27 18:36:00
Author: Vipul Vaidya
મહારાષ્ટ્રના 6 લાખથી વધુ ખેડૂતોને 2017ની લોન માફી યોજનાનો લાભ હજુ મળ્યો નથી: પ્રધાનની કબૂલાત...

બાબાસાહેબ પાટીલ


મુંબઈ: મહારાષ્ટ્રના છ લાખથી વધુ પાત્ર ખેડૂતોને સરકારની 2017ની કૃષિ લોન માફી યોજના હેઠળ હજુ સુધી લાભ મળવાનો બાકી છે અને તેમને રાહત આપવા માટે કાર્યવાહી ચાલી રહી છે, એમ એક પ્રધાને શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું.

રાજ્ય વિધાનસભાને લેખિત જવાબમાં મહારાષ્ટ્રના સહકાર ખાતાના પ્રધાન બાબાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ શેતકરી સન્માન યોજના હેઠળ, કુલ 50.60 લાખ લાયક ખેડૂતોમાંથી 44.04 લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં લોન માફી યોજનાનો લાભ મળ્યો છે, જ્યારે બાકીના 6.56 ખેડૂતો માટેની પ્રક્રિયા ચાલુ છે.

મહાત્મા જ્યોતિરાવ ફૂલે શેતકરી કર્જમુક્તિ યોજના હેઠળ 32.42 લાખ પાત્ર ખેડૂતોમાંથી 32.29 લાખ ખેડૂતોને લોન માફીનો લાભ મળ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં પાક લોનની નિયમિત ચુકવણી માટે પ્રોત્સાહક સબસિડી માટે પાત્ર 14.50 લાખ ખેડૂતોને આધાર પ્રમાણીકરણ પછી લાભ મળ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

2025ની ખરીફ સિઝન દરમિયાન અતિશય વરસાદ અને પૂરને કારણે પાકના નુકસાન અંગે, તેમણે કહ્યું કે સહકારી પાક લોનનું પુનર્ગઠન કરવા અને અસરગ્રસ્ત તાલુકાઓમાં કૃષિ સંબંધિત લોનની વસૂલાત પર એક વર્ષનો મોરેટોરિયમ આપવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2017ની યોજનાના અમલીકરણ માટે 2025ના શિયાળુ સત્ર દરમિયાન પૂરક માંગણીઓ દ્વારા 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને 2026-27 નાણાકીય વર્ષ માટે 5,975.51 કરોડ રૂપિયાની માંગણી પ્રસ્તાવિત કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે ઉચ્ચ-સ્તરીય સમિતિ તેની ભલામણો રજૂ કરે તે પછી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને વધુ રાહત આપવાના મુદ્દા પર વિચાર કરવામાં આવશે.