મુંબઈ: મહારાષ્ટ્ર પ્રધાનમંડળે મંગળવારે કોકણ રેલવેના શિલ્પી ગણાતા સ્વર્ગીય સમાજવાદી નેતાના માનમાં સાવંતવાડી સ્ટેશનનું નામ બદલીને 'લોકમાન્ય મધુ દંડવતે રેલવે ટર્મિનસ' રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી પ્રધાન મંડળની બેઠકમાં મંજૂર થયેલા આ પ્રસ્તાવને હવે અંતિમ મંજૂરી માટે કેન્દ્રને મોકલવામાં આવશે એવી જાણકારી મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવી છે. આ નિર્ણય કોકણ ક્ષેત્રના લોકોની લાંબા સમયથી માંગણીને પૂર્ણ કરે છે એવી સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી છે.
રાજાપુર લોકસભા મતવિસ્તાર (જે 2009માં સીમાંકન પછી હવે રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક છે)માં પાંચ ટર્મ સુધી સંસદ સભ્ય રહેલા અગ્રણી સમાજવાદી નેતા મધુ દંડવતે મોરારજી દેસાઈ સરકારમાં રેલવે પ્રધાન અને વીપી સિંહ શાસનમાં નાણાં પ્રધાન હતા.
અન્ય એક નિર્ણયમાં પ્રધાનમંડળે મહારાષ્ટ્ર સરકારી કર્મચારીઓની બદલીઓના નિયમોઅને સત્તાવાર ફરજોના નિકાલમાં વિલંબ નિવારણ અધિનિયમ, 2005માં સુધારાને મંજૂરી આપી હતી. આ સંદર્ભે 2026માં રાજ્ય સરકારી કર્મચારીઓની સામાન્ય બદલી માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી.
પ્રધાનમંડળે ડોમ્બિવલી ઔદ્યોગિક વિસ્તારમાં થાણે જિલ્લાના કલ્યાણ તાલુકાના સાગવ સોનારપાડા ખાતે પિંપળેશ્વર દેવસ્થાન મંદિર ટ્રસ્ટને 4 એકર અને 25 ગુંઠા જમીન ફાળવવાની પણ મંજૂરી આપી છે.રાજ્ય સરકારે મંદિર ટ્રસ્ટ દ્વારા જમીનના ઉપયોગને નિયમિત કરવા અને નજીવા દરે જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હોવાનું નિવેદનમાં જણાવાયું છે.
(પીટીઆઈ)