Tue May 26 2026

Logo

શોકિંગઃ બુલઢાણામાં પિતાએ ચાર નિર્દોષ બાળકો સાથે કૂવામાં કૂદીને કરી આત્મહત્યા?

2026-05-26 18:05:41
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ રાજ્યના બુલઢાણા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના એક કૂવામાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ નિર્માણ થયો હતો. 

આ ઘટના જિલ્લાના જલગાંવ જામોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ભાલે અંજન ગામની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ ગામની નજીક આવેલા એક કૂવામાં અનેક મૃતદેહો દેખાઈ રહ્યા હોવાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકોમાં એક પુરુષ અને તેના ચાર બાળકોનો સમાવેશ થાય છે.

જળગાંવ જામોડ પોલીસ સ્ટેશનના અધિકારી નીતિન પાટીલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ હોવાનું બહાર આવ્યું છે. ગ્રામજનો પાસેથી મૃતક વિજય મુસા કિરાડિયા અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા તે તેની પત્નીને તેના માતાપિતાના ઘરે મૂકી આવ્યો હતો અને બાળકો સાથે અલગ રહેતો હતો.

મૃતદેહોને જોઈને એવું માનવામાં આવે છે કે પિતાએ પહેલા તેના 7, 5, 4 અને 2 વર્ષના બાળકોને કૂવામાં ફેંકી દીધા અને પછી તેણે કૂવામાંથી પાણી કાઢવા માટે વપરાતા લાકડાના ટુકડા સાથે બાંધેલા દોરડાથી ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દોરડું મૃતકના વજનને ઝીલી શક્યું નહીં અને તેની ગાંઠ છૂટી જતા તે પણ કૂવામાં પડી ગયો હતો.

પોલીસનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિના આધારે કેસના વિવિધ પાસાઓની તપાસ કરી રહ્યા છે. બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી આખા ગામમાં શોકનો માહોલ છે.