Mon Jun 08 2026

Logo

મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષામાં 'ગેરરીતિ': સરકારે 107 પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરી

2026-02-27 20:30:02
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ દરમિયાન નકલ અને અન્ય ગેરરીતિઓ સામે મોટા પાયે કાર્યવાહી શરુ કરી છે. કાર્યવાહીના ભાગ રૂપે રાજ્યભરના 107 પરીક્ષા કેન્દ્રોની માન્યતા રદ કરી, હોવાની માહિતી પ્રધાન દાદા ભૂસેએ આજે રાજ્ય વિધાનસભામાં આપી હતી.

પ્રશ્નકાળ દરમિયાન, ભૂસેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ફેબ્રુઆરી-માર્ચ 2026 ની બોર્ડ પરીક્ષાઓ માટે ગયા વર્ષની જેમ જ "કોપી-મુક્ત પરીક્ષા ઝુંબેશ" શરૂ કરી છે, જેથી ન્યાયી અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત થાય. 

તેમણે પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરીની આસપાસ ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા બાદ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માટે અનુક્રમે 31 અને 76 પરીક્ષા કેન્દ્રોની માન્યતા રદ કરવામાં આવી હતી. પ્રધાને જણાવ્યું હતું કે, ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સહિતના મુખ્ય નિવારક પગલાં ફરજિયાત કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે સીસીટીવી કવરેજ વિનાના પરીક્ષા કેન્દ્રો પર સુપરિન્ટેન્ડેન્ટ, નિરીક્ષક અને અન્ય કર્મચારીઓ સહિત સ્ટાફને બદલવામાં આવ્યો છે, અને સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ સ્ટેશનરી સ્ક્વોડ અને ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે.  જિલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સમિતિઓની રચના  કરવામાં આવી છે, જેની ભૂમિકા 9 જાન્યુઆરીના રોજ સરકારી ઠરાવ દ્વારા જણાવવામાં આવી છે.

વધુમાં, પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત માટે ફ્લાઇંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવ્યા છે, અને ગેરરીતિ માટે દોષિત વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ માલપ્રેક્ટિસીસ એક્ટ હેઠળ ગેરરીતિમાં સંડોવાયેલા અથવા તેને પ્રોત્સાહન આપનારા કોઈપણ વ્યક્તિ સામે કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર ગુનો નોંધવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આ મહિનાની શરૂઆતમાં, બીડ જિલ્લાના એક કેન્દ્ર પર ધોરણ 12 ની પરીક્ષાના પેપર દરમિયાન ડ્રોન કેમેરાએ મોટા પાયે નકલનો પર્દાફાશ કર્યો હતો, જેના કારણે 17 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.