Thu Sep 17 2026

Logo

‘સભ્યતાની પ્રક્રિયામાં પાછળ જઈ રહ્યા છે...’ ટ્રમ્પની આ હરકતથી મેક્રોન નારાજ

2026-02-20 10:44:00
Author: Savan Zalariya
‘સભ્યતાની પ્રક્રિયામાં પાછળ જઈ રહ્યા છે...’ ટ્રમ્પની આ હરકતથી મેક્રોન નારાજ

મુંબઈ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ત્રણ દિવસની ભારતી મુલાકાતે આવ્યા હતાં, આ દરમિયાન તેમણે એક ભારતીય પોડકાસ્ટરના પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન મેક્રોને ભારત-ફ્રાન્સ સંબંધોથી માંડીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની તકરાર સુધીના વિષયો પર વાત કરી હતી.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મેક્રોને તેમને કરેલા એક પ્રાઈવેટ મેસેજનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના કારણે મેક્રોન ટ્રમ્પથી નારાજ છે. પોડકાસ્ટ દરમિયાન મેક્રોનને પ્રાઈવેટ મેસેજ લીક થવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કોઈ સીધો જવાબ આપ્યો નહીં, તેમણે રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં 'આદર' જાળવવા વિષે વાત કરી.

મેક્રોને પોડકાસ્ટરને કહ્યું, "હું માનું છું કે આદર જાળવવો એ લીડરશીપનો એક ભાગ છે, અને આપણે એકબીજાને આદર આપવો પડશે. આપણે વિચારો શેર કરી શકીએ કે ન કરી શકીએ, તમે અસંમત થઈ શકો છો, પરંતુ તમારે આદરપૂર્ણ વર્તન કરવું પડશે." 

મેક્રોને કહ્યું, "લોકશાહીમાં કોઈપણ પ્રકારના દ્વેષપૂર્ણ ભાષણ અને હિંસા સામેનો હું વિરોધ કરું છું. જ્યારે તમને તમારું નેતૃત્વ બદલવાનો અધિકાર હોય છે, તમે નક્કી કરો છો કે કોણ નેતૃત્વ કરશે.....તેથી હિંસક થવાની કે કોઈનો અનાદર કરવાની કોઈ જરૂર નથી." 

મેક્રોનને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેરિકન લીડરશીપ જે તરફ જઈ રહી છે શું વિશ્વને તેનાથી ડરવાની જરૂર છે? ત્યારે મેક્રોને કહ્યું કે વિશ્વની વર્તમાન સ્થિતિમાં નેતાઓ પાછળ તરફ ગતિ કરતા હોય એવું લાગી રહ્યું છે. 
મેક્રોને કહ્યું, "આદરનું નિર્માણ થયું હતું. સભ્યતાની પ્રક્રિયા સાથે જોડાયેલી બાબત સુધારા માટે બનાવવામાં આવી હતી, નેતાઓને પાછળ ગતિ કરતા જોવું આશ્ચર્યજનક છે. આ યોગ્ય સંકેતો નથી."