Fri Apr 17 2026

Logo

પબ્સ અને પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરનારા બે આરોપી લખનઊમાં પકડાયા

2026-03-25 17:27:00
Author: Yogesh C Patel
Article Image

બજારમાં મળતાં કેમિકલમાંથી બ્રાઉન સુગર બનાવતા: આરોપીની નેપાળ ફરાર થવાની યોજના હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પબ્સ, હોટેલ્સ અને ખાનગી પાર્ટીઓમાં નશીલા પદાર્થ સપ્લાય કરનારી આંતરરાજ્ય ટોળકીના બે સભ્યને લખનઊમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. બજારમાં મળતાં કેમિકલમાંથી બ્રાઉન સુગર બનાવતી આ ટોળકીના બન્ને સભ્ય વસઈમાં ક્ધસાઈન્મેન્ટ પકડાઈ જતાં નેપાળ ફરાર થવાની તૈયારીમાં હતા.ધરપકડ કરાયેલા બન્ને આરોપીની ઓળખ ભાવેશ પ્રભાકર ચૌહાણ ઉર્ફે લાલુ અને શોએબ અશરફ પઠાણ ઉર્ફે બટલા તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના હરદોઈનો ભાવેશ હાલમાં નાલાસોપારાના અલકાપુરી ખાતે શોએબ સાથે રહેતો હતો.

નાયગાંવ પોલીસે પાંચમી ફેબ્રુઆરીએ ડ્રગ્સનું એક ક્ધસાઈન્મેન્ટ પકડી પાડ્યું હતું. એ કેસની તપાસમાં ભાવેશ અને શોએબનું નામ સામે આવ્યું હતું. બન્ને ઉત્તર પ્રદેશના લખનઊમાં સંતાયા હોવાની માહિતી પોલીસને મળી હતી. પરિણામે નાયગાંવ પોલીસની ટીમ લખનઊ પહોંચી હતી.ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી બન્ને શકમંદનું લૉકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. બન્ને લખનઊના ચારબાગ રેલવે સ્ટેશન પાસે નજરે પડ્યા હોવાની જાણકારી પોલીસને મળી હતી. માહિતીને આધારે યુપી એસટીએફની મદદથી નાયગાંવ પોલીસે ભાવેશ અને શોએબને રેલવે સ્ટેશને પાસેના ટેમ્પો સ્ટૅન્ડ ખાતેથી તાબામાં લીધા હતા.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બન્ને આરોપી આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી કરનારી ટોળકી સાથે સંકળાયેલા હતા. બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ કેમિકલનો ઉપયોગ કરીને બ્રાઉન સુગરનું ઉત્પાદન કરતા હતા. પછી એ ડ્રગ્સ મહારાષ્ટ્રની વિવિધ પબ્સ, હોટેલ્સ અને ખાનગી પાર્ટીઓમાં સપ્લાય કરતા હતા.નાયગાંવ પોલીસે ગયા મહિને ડ્રગ્સનું ક્ધસાઈન્મેન્ટ પકડી પાડતાં બન્ને નાલાસોપારાથી યુપી પહોંચ્યા હતા. લખનઊથી બન્ને નેપાળ જવાની તૈયારીમાં હતા તે પહેલાં જ પોલીસે તેમને પકડી પાડ્યા હતા. આરોપી ભાવેશ વિરુદ્ધ મીરા-ભાયંદર વસઈ-વિરારનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં આઠ જેટલા ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.