Wed Sep 02 2026

Logo

14.2 કિલોના LPG સિલિન્ડરમાં હવે માત્ર 10 કિલો ગેસ મળશે? જાણો સરકારનો સત્તાવાર ખુલાસો...

2026-03-23 21:06:31
Author: Vimal Prajapati
14.2 કિલોના LPG સિલિન્ડરમાં હવે માત્ર 10 કિલો ગેસ મળશે? જાણો સરકારનો સત્તાવાર ખુલાસો...

નવી દિલ્હી: મધ્યપૂર્વના યુદ્ધના કારણે વિશ્વ પર ઈંધણનું સંકટ તોળાઈ રહ્યું છે તેવામાં હવે દેશભરમાં LPG ગેસના સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાઈ કે, સરકાર 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરમાં માત્ર 10 કિલો ગેસ ભરીને આપવામાં આવશે. આવા સમાચારના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ આ વાતને સરકારે સંપૂર્ણ રીતે ખોટી ઠેરવી છે. મંત્રાલયની સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું કે, આ માત્ર અફવા છે અને એવી કોઈ યોજના નથી. 

10 કિલો ગેસ અંગે સરકારે કરી સ્પષ્ટતા

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે 14.2 કિલો વાળા સિલિન્ડરમાં હવે માત્ર 10 કિલો જ ગેસ આપવામાં આવશે તે માત્ર એક અફવા છે, અને આવી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ નહીં કરવો! વધુમાં કહ્યું કે, 14.2 કિલોવાળા સિલિન્ડરમાં કોઈ પણ પ્રકારનો કાપકૂપ કરવામાં આવ્યો નથી. મંત્રાલાય દ્વારા વારંવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હોવા છતાં પણ અનેક પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. આવી અફવાઓને કોઈ પણ પ્રકારનો વેગ ના આપવા માટે પણ સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

અફવાઓને વેગ ના આપવા સરકારની અપીલ

મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવને કારણે LPG આયાત પર અસર થઈ છે, પરંતુ વિતરણ અને સપ્લાય સામાન્ય છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં 3.5 લાખથી વધુ ઘરેલુ અને વ્યાપારી PNG કનેક્શન્સ આપવામાં આવ્યા છે, જેથી LPG પર નિર્ભરતા ઘટી છે. 

વૈશ્વિક તેલ સંકટ વચ્ચે લોકો સુધી વિવિધ અફવાઓ પહોંચી રહી છે. આજે સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરમાં હવે ફક્ત 10 કિલોગ્રામ ગેસ હશે. સરકારે હવે આ વાયરલ અહેવાલ અંગે લોકોને સ્પષ્ટીકરણ આપી દીધું છે.