નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતને મળતા ઇંધણના પુરવઠાને માઠી અસર પહોંચી છે, દેશના અનેક વિસ્તારોમાં LPG સિલિન્ડરની અછત સર્જાઈ છે, જેને કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અછતને પૂરી કરવા વળવા સરકાર પ્રયાસ કરી રહી છે, એવામાં સરકારે આદેશ આપ્યો છે કે જ્યાં પાઇપ્ડ નેચરલ ગેસ(PNG) ઉપલબ્ધ હોય અને ગ્રાહક કનેક્શન નહીં લે તો તેને LPG સિલિન્ડર નહીં મળે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડ્કટ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર, 2026 જાહેર કર્યો છે. સરકારી આદેશ મુજબ ઉપલબ્ધ હોવા છતાં જો કોઈ ઘર PNG કનેક્શન નહીં લે, તો ત્રણ મહિના પછી તે ઘરને LPG પુરવઠો બંધ કરવામાં આવશે. જોકે, જ્યાં પાઇપ કનેક્શન પૂરું પાડવું ટેક્નિકલ રીતે અશક્ય હોય, ત્યાં LPG કનેક્શન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
સરકારનાં આદેશ અંગે પ્રતિક્રિયા આપતા પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે X પરની પોસ્ટ કરીને લખ્યું, "આફતને અવસર ફેરવવાની તક છે".
PNG કનેક્શન સરળતાથી મળશે:
એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.આદેશમાં PNG કનેક્શન મેળવવાની મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં છે. આદેશના ઝડપી અમલીકરણ માટે, જાહેર અધિકારીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં PNG કનેક્શન માટે માર્ગને પરવાનગી પર નિર્ણય લેવાનું જણાવવામાં આવ્યું છે.
PNG વધુ સારો વિકલ્પ:
પાઇપ્ડ ગેસ નેટવર્કના વિસ્તરણને પ્રોત્સાહન આપવા અને અને LPG પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી સરકારે આ આદેશ આપ્યા છે. PNG પાઇપલાઇન મારફતે રસોડા સુધી પહોંચે છે, જેનું સપ્લાય સતત રહે છે, જેથી રિફિલ બુક કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. LPG સામે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને વધુ અનુકૂળ માનવામાં આવે છે, જેનું ઉત્પાદન ભારતમાં પણ થાય છે અને તેનો પુરવઠો અન્ય ઘણા દેશો પાસેથી મળે છે.