Tue Aug 18 2026

Logo

આખરે "લોક અપ 2"નું વિજેતા કોણ બન્યું, એક કરોડ રૂપિયાનું મળ્યું ઇનામ

2026-08-05 22:31:06
Author: Mumbai Samachar Team
Article Image

છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા ઉતાર-ચઢાવ, ઈમોશનલ ટકરાવ અને જબરદસ્ત સ્પર્ધા બાદ 'લોક અપ 2'ને આખરે પોતાનો વિજેતા મળી ગયો છે. રિતેશ દેશમુખ અને ફરાહ ખાન દ્વારા હોસ્ટ કરાયેલા આ રિયાલિટી શોએ ડ્રામેટિક એલિમિનેશન, સરપ્રાઈઝ કમબેક અને બદલાતા સમીકરણોથી દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખ્યા હતા. ફિનાલે વીકમાં પહોંચ્યા બાદ શોમાં વિજેતા તરીકે શ્રેયાની પસંદગી કરાઈ છે.

'લોક અપ 2' ની ટ્રોફી પર શ્રેયા કાલરાએ પોતાનું નામ મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ગ્રાન્ડ ફિનાલેમાં શાનદાર પ્રદર્શનના આધારે શ્રેયાને વિજેતા જાહેર કરવામાં આવી. ટ્રોફી સાથે તેણે 1 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ પણ જીત્યું. વિજેતા જાહેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સે તેના પર અભિનંદનનો વરસાદ કર્યો અને શ્રેયાની જીતની ખુશી પણ મનાવી.

ઉલ્લેખનીય કે કે વિજેતાનો નિર્ણય 25 સભ્યોની જ્યુરીના મતથી લેવામાં આવ્યો. આ જ્યુરીમાં મીડિયા સાથે જોડાયેલા લોકો, શોના જૂના કન્ટેસ્ટન્ટ અને અગાઉ એલિમિનેટ થઈ ચૂકેલા સભ્યો સામેલ હતા. રિપોર્ટ મુજબ શ્રેયાના પક્ષમાં 18 જ્યુરીના  સભ્યો અને 5 પૂર્વ સભ્યોએ મત આપ્યો, જેના કારણે તેમને કુલ 23 મત મળ્યા. જ્યારે શિવાંગી જોશીને લગભગ 14 થી 15 મત મળ્યા. બીજી તરફ યોગેશને મીડિયા જ્યુરીમાંથી માત્ર 2 જ વોટ મળ્યા હતા.

શોના ટોપ 5 ફાઈનલિસ્ટમાં શ્રેયા કાલરા, શિવાંગી જોશી, શિલ્પા શિંદે, યોગેશ રાવત અને રામ કપૂર પહોંચ્યા હતા. ફિનાલે પહેલા થયેલા છેલ્લા એલિમિનેશનમાં આકાંક્ષા ચમોલા અને વરુણ યાદવ શોમાંથી બહાર થઈ ગયા હતા.

શ્રેયાની જીત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને આ જીતની સાચી હકદાર ગણાવી. એક યુઝરે લખ્યું કે 'આખા શોને પોતાના દમ પર આગળ વધાર્યા બાદ, શ્રેયા ખરેખર આ શો જીતવાની હકદાર છે.' અને ત્યાર બાદ અભિનંદનના મેસેજ અને કમેન્ટ્સ થી સોશીયલ મીડિયા ઉભરાવા લાગ્યું હતું.

આમ 'લોક અપ 2' ના અંત સાથે શ્રેયા કાલરાએ માત્ર ટ્રોફી અને ઈનામની ધનરાશિ જ નહીં, પરંતુ દર્શકોનો પ્રેમ અને વિશ્વાસ પણ જીતી લીધો છે.