Sun Jun 28 2026

Logo

મેસીનો મિજાજ: આર્જેન્ટિના મુશ્કેલીમાં લાગ્યું, ગોલ કરવાનું મન થયું, મેદાન પર આવ્યો અને ગોલ કરી દીધો!

2026-06-28 11:40:00
Author: Ajay Motiwala
Article Image

સતત સાત વર્લ્ડ કપ મૅચમાં ગોલ કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો


ડલાસ: આર્જેન્ટિનાએ અહીં રવિવારે ફિફા વર્લ્ડ કપમાં સતત ત્રીજી અને છેલ્લી લીગ પણ મૅચ જીતી લીધી હતી અને હવે લિયોનેલ મેસી (Messi)ના નેતૃત્વમાં આ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ નોકઆઉટ રાઉન્ડમાં રમશે. આર્જેન્ટિનાએ આ મૅચમાં જોર્ડન (Jordan)ને 3-1થી હરાવ્યું હતું. એ સાથે આર્જેન્ટિનાએ લીગ રાઉન્ડમાં 100% વિન-રેકૉર્ડ જાળવી રાખ્યો હતો.

આર્જેન્ટિના-જોર્ડન પહેલી વખત આમનેસામને

આર્જેન્ટિના અને જોર્ડન આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં પહેલી જ વખત સામસામે આવ્યા હતા અને એમાં જોર્ડનની ટીમે આર્જેન્ટિનાના ખેલાડીઓની લડાયક ક્ષમતા નજીકથી જોઈ લીધી હતી. આર્જેન્ટિનાએ મોટાભાગના મુખ્ય ખેલાડીઓને આ મૅચમાંથી આરામ આપ્યો હતો. કેપ્ટન મેસી પણ શરૂઆતથી આ મૅચમાં નહોતો રમ્યો. આર્જેન્ટિના આ મૅચ પહેલાં જ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું હોવાથી મેસી શરૂઆતથી રમવાને બદલે બેન્ચ પર બેસીને ટીમનો પર્ફોર્મન્સ નિહાળતો હતો અને જરૂર લાગી ત્યારે તેમને ઈશારાથી માર્ગદર્શન પણ આપતો હતો. સેકન્ડ હાફમાં 55મી મિનિટ સુધી આર્જેન્ટિના 2-0થી આગળ હતું, પરંતુ 55મી મિનિટમાં જોર્ડનના અલ-તામરીએ ગોલ કરીને માર્જિન 1-2નું કરી નાખ્યું એટલે મેસીએ આર્જેન્ટિનાને મુશ્કેલીમાં જોઈને મેદાન પર આવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. મેસી 60 મિનિટમાં ગ્રાઉન્ડ પર આવ્યો હતો અને 80મી મિનિટમાં તેણે પેનલ્ટી એરિયાથી ઘણે દૂરથી ગોલ કરીને આર્જેન્ટિનાની સરસાઈ વધારીને 3-1ની કરી આપી હતી.

 

વર્લ્ડ રેકૉર્ડ અને પછી વિક્રમજનક 19મો ગોલ

39 વર્ષનો લિયોનેલ મેસી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સતત સાત મૅચમાં ગોલ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો છે. તેના ખાતે હવે વર્લ્ડ કપના કુલ 19 ગોલ છે જે વિશ્વવિક્રમ છે.

આર્જેન્ટિનાએ વર્તમાન વર્લ્ડ કપની ત્રણ લીગ મૅચમાં કુલ આઠ ગોલ કર્યા જેમાંથી છ ગોલ મેસીના હતા. રવિવારે સવારે જોર્ડન સામે આર્જેન્ટિનાના ત્રણમાંથી એક ગોલ જિઓવાની લો સેલ્સોએ 19મી મિનિટમાં અને એક ગોલ લૉટારો માર્ટિનેઝે 31મી મિનિટમાં કર્યો હતો. આર્જેન્ટિનાએ પહેલી બે લીગ મેચમાં જે કુલ પાંચ ગોલ કર્યા હતા એ તમામ મેસીના હતા.