Thu Sep 03 2026

Logo

અમરેલીના જાફરાબાદ નજીક બાઈક અને રિક્ષા પર હુમલો કરનારા સિંહનું રહસ્યમય મોત

2026-06-21 20:04:16
Author: Devayat Khatana
અમરેલીના જાફરાબાદ નજીક બાઈક અને રિક્ષા પર હુમલો કરનારા સિંહનું રહસ્યમય મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ પર વનવિભાગની કચેરી નજીક એક સિંહે અચાનક માર્ગ પરથી પસાર થતા લોકો પર તરાપ મારવા પાછળ દોડ્યો હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. રસ્તા પર દોડતા વાહનો પાછળ આ સિંહે દોડ લગાવીને હુમલાની કોશિશ કરતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, આ દરમિયાન જ સિંહનું શંકાસ્પદ હાલતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, સિંહને હડકવા ઉપડ્યો હોઈ શકે છે, કારણ કે મોત પહેલા તેને શરીર પર જોરદાર ઝટકા આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, વન વિભાગની ઓફિસ પાસેથી બાઈક લઈને જઈ રહેલા એક વ્યક્તિ પર સિંહે અચાનક છલાંગ લગાવી હતી. સિંહના હુમલાને કારણે તેઓ મોટરસાયકલ પરથી નીચે પટકાયા હતા અને સિંહનો પંજો વાગતા હાથ પર સામાન્ય ઈજા થઈ હતી. આ દ્રશ્ય સર્જાયાના થોડા જ સમયમાં ત્યાંથી પસાર થતી એક પેસેન્જર રિક્ષાને પણ સિંહે નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે ચાલકે કાબૂ ગુમાવતા રિક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી. સદભાગ્યે રિક્ષાચાલકનો જીવ બચી ગયો હતો.

આ ઘટના અંગે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા જાફરાબાદ રેન્જની ટીમ તબીબોના કાફલા સાથે દોડી આવી હતી અને સિંહે ત્યાં હાજર વનકર્મીઓ પર પણ તરાપ મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આતંક મચાવ્યાના થોડી જ વારમાં સિંહના શરીરમાં બે-ત્રણ વાર જોરદાર આંચકી આવી હતી અને તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. હાલમાં મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલીને વેટરનરી ડોક્ટરો દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમ સહિતની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.