રોમ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનો શરૂ થયેલો વાક વિવાદ વધુ વકર્યો છે. તાજેતરમાં યોજાયેલી G7 સમિટ બાદ ટ્રમ્પે દાવો કર્યો હતો કે મલોની તેમની સાથે ફોટો પડાવવા માટે કરગરી રહ્યા હતા. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ખુલ્લું વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. ટ્રમ્પના આરોપો સામે મલોનીએ એક વીડિયો શેર કરીને આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કે ઇટાલી ક્યારેય કોઈની સામે કરગરી શકે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદમાં વધુ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને મેલોની પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે આક્ષેપ કર્યો કે મેલોનીએ ઈરાન સામેના સૈન્ય પગલાંમાં અમેરિકાનો સાથ આપ્યો ન હતો અને ઇટાલીના રનવેનો ઉપયોગ પણ કરવા દીધો ન હતો. ટ્રમ્પના મતે, હવે જ્યારે અમેરિકાએ ઈરાનની સેનાને હરાવી દીધી છે, ત્યારે મેલોની પોતાની લોકપ્રિયતા વધારવા માટે ફરીથી અમેરિકા સાથે દોસ્તી કરવા માંગે છે. આ સાથે જ ટ્રમ્પે ઇટાલીમાં મેલોનીની લોકપ્રિયતા ઘટી રહી હોવાનો પણ દાવો કર્યો હતો.
ટ્રમ્પના આ બીજા હુમલા બાદ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ મોઢેમોઢ જવાબ આપી દીધો છે. મેલોનીએ ટ્રમ્પના હુમલાઓને તર્ક વગરના ગણાવતા કહ્યું હતું કે, "મારી લોકપ્રિયતા તમારી મિત્રતાની મોહતાજ નથી, કે ન તો તે તમારા અને મારા સંબંધો પર નિર્ભર કરે છે." તેમણે ઉમેર્યું કે ઇટાલી એક સાર્વભૌમ દેશ છે અને તેમની લોકપ્રિયતા ઇટાલીના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની તેમની ક્ષમતા પર આધારિત છે. તેમણે અમેરિકાને ટોણો મારતા સલાહ આપી કે ટ્રમ્પે ઇટાલીની ચિંતા છોડીને પોતાની લોકપ્રિયતા પર ધ્યાન આપવું જોઈએ.
આ વિવાદની સીધી અસર હવે અમેરિકા અને ઇટાલીના દ્વિપક્ષીય સંબંધો પર જોવા મળી રહી છે. ટ્રમ્પના આ નિવેદનોને ઇટાલીની સરકારે ગંભીર અને અપમાનજનક ગણાવ્યા છે અને સમગ્ર સરકાર વડાપ્રધાન મેલોનીની પડખે ઊભી રહી છે. આ વિવાદના વિરોધ સ્વરૂપે ઇટાલીના વિદેશ પ્રધાન એન્તોનિયો તાજાનીએ આવતા અઠવાડિયે યોજાનારો પોતાનો સત્તાવાર અમેરિકા પ્રવાસ રદ કરી દીધો છે, જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.