બોરીબંદરથી CSMT સુધીની સફર: ભારતના પ્રતિષ્ઠિત રેલવે સ્ટેશનનો રોમાંચક ઈતિહાસ
મુંબઈ: ભારતીય રેલવે અને મુંબઈના ઇતિહાસની આ તારીખ જેણે એક સાધારણ રેલવે સ્ટેશનને દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત વારસામાં પરિવર્તિત કર્યું હતું. આજથી 138 વર્ષ પહેલા આજના દિવસે સામાન્ય લોકો માટે એક એવી ઇમારતનું નિર્માણ કર્યું, જે આગળ જતા મુંબઈ, મહારાષ્ટ્ર જ નહીં, ભારતીય રેલવેની ઓળખ બનવાનું હતું. ભારતીય રેલવેના ઐતિહાસિક વારસા અને આર્કિટેક્ચર પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બની જવાનું હતું અને એ જમાનામાં એનું નામ વિક્ટોરિયા ટર્મિનસ (વીટી) હતું, જે આજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના નામથી ઓળખવામાં આવે છે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની સ્ટોરી ફક્ત એક રેલવે સ્ટેશનની એકલી વાત નથી. આ સોળ લાખ રૂપિયાના એક સપનાની વાર્તા છે જેને સાકાર કરવામાં માટે પૂરા 10 વર્ષ લાગ્યા હતા, જેના નિર્માણમાં હજારો ભારતીય કારીગરનું યોગદાન છે, જેમણે પથ્થરમાં પોતાની કલાત્મકતાને અમર બનાવી દીધી હતી. આ એક એવા શહેરની વાર્તા છે, જેણે દરિયાકાંઠાના એક વેપારી મથકથી દેશની આર્થિક રાજધાની બનવા સુધીની સફર રેલવેના પાટાઓ પર પસાર કરી હતી.
સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ઇમારતના મુખ્ય ભાગ પર 16 અલગ અલગ જાતિ અને વિવિધ સમુદાયોના ચહેરાઓ કોતરેલા છે, જ્યાં ફક્ત પથ્થર, ગુંબજ અને મિનારાના માળખા નથી, પણ તે 19મી સદીના મુંબઈની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિવિધતાના જીવંત પુરાવો છે. 138 વર્ષ બાદ પણ આ સ્ટેશન રોજિંદા લાખો લોકોના જીવનની જીવાદોરી બનેલું છે ત્યારે ચાલો જાણીએ આ ઐતિહાસિક ઇમારતની સમગ્ર રિયલ સ્ટોરી જેને મુંબઈની રેલવે અને રેલવે સ્ટેશનની ભાષા જ બદલી નાખી હતી.
બોરીબંદરથી થઈ હતી ભારતીય રેલવેની શરૂઆત

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનો ઇતિહાસ હાલની ભવ્ય ઇમારતથી ઘણો જૂનો છે. આ જગ્યા પર 'બોરીબંદર' નામનું એક નાનું રેલવે સ્ટેશન હતું. આ જગ્યા મુખ્યત્વે માલસામાનના સંગ્રહ અને વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં 'બોરી' જગ્યાનું નામ હતું. અને 'બંદર'નો અર્થ બંદર થાય છે. બોરીબંદર એ જ સ્ટેશન છે, જ્યાં ભારતીય રેલવેના ઇતિહાસનો પાયો નાખવામાં આવ્યો હતો. 16 એપ્રિલ, 1853ના ભારતની પહેલી પેસેન્જર ટ્રેન આ જ સ્ટેશનથી થાણે વચ્ચે 34 કિલોમીટરના અંતર કાપતી હતી.
1853માં ભારતની પ્રથમ ટ્રેન શરૂ કર્યા બાદ રેલવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો જેમ જેમ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવે (જીઆઈપીઆર)નું નેટવર્ક ફેલાતું ગયું હતું તેમ તેમ બોરીબંદર સ્ટેશન નાનું પડવા લાગ્યું હતું. ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા એક એવું સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જે મુસાફરોની જરૂરિયાતો સાથે શહેરની ઓળખ પણ બની શકે. આ પ્રોજેક્ટ પૂરી કરવાની જવાબદારી બ્રિટિશ સ્થાપત્યકાર ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સને આપવામાં આવી હતી. આ સ્ટેશનના નિર્માણ માટે તેમણે અંદાજે 16.14 લાખ રૂપિયાનું બજેટ તૈયાર કર્યું, જે તે સમયે ખૂબ મોટી કિંમત માનવામાં આવતી હતી. આ પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરતા પહેલા સ્ટીવન્સન યુરોપ ગયા અને ત્યાં કેટલાક રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ તેમણે લંડનના સેન્ટ પ્રેનકાસ સ્ટેશનના સ્થાપત્યથી પ્રેરણા લઈને આ સ્ટેશનની રૂપરેખા તૈયાર કરી હતી.
10 વર્ષની મહેનત પછી નિર્માણ થઈ ઐતિહાસિક ઇમારત

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)નું નિર્માણ મે, 1878માં શરૂ થયું હતું. પરંતુ તેને તૈયાર કરવામાં 10 વર્ષ લાગ્યા હતા. તે સમયે મુંબઈમાં કોઈ ઇમારતનું આટલા લાંબા સમયગાળા સુધી નિર્માણ થવું એ મોટી બાબત ગણાતી હતી. વર્ષ 1888માં આ ભવ્ય સ્ટેશન લોકોની સામે આવ્યું હતું. ઈમારતનો મુખ્ય ભાગ મજબૂત પીળા પથ્થરથી બનાવવામાં આવ્યો હતો. બિલ્ડિંગની સજાવટ માટે સફેદ પથ્થર પોરબંદરથી, ગ્રે બેસાલ્ટ અને લાલ પથ્થર લગાવવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ હતી કે એની ડિઝાઇન પણ ભારતીય કારીગરો કરી હતી, જેને જોઈને આજે પણ લોકો દંગ રહી જાય છે.
સ્થાપત્યનો બેજોડ નમૂનો છે બોમ્બે ગોથિક શૈલી

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ફક્ત એક રેલવે સ્ટેશન જ નથી પણ આર્કિટેક્ચરનો એક શાનદાર નમૂનો છે, જે દુનિયાની 'બોમ્બે ગોથિક' શૈલીની સૌથી ભવ્ય ઇમારતોમાં એક ગણવામાં આવે છે. આ ઇમારતની ખાસિયત એ હતી કે તેમાં યુરોપમાં વિક્ટોરિયન અને ઇટાલિયન ગોથિક ડિઝાઇનને ભારતીય આર્કિટેક્ચરને જોડવામાં આવ્યું હતું. ફેડરિક સ્ટિવન્સને આ ઈમારતની ડિઝાઈન મુંબઈની ગરમી અને ભેજને ધ્યાનમાં રાખીને બનાવી હતી, જેમાં હવાની પણ અવરજવર પણ શ્રેષ્ઠ રીતે થઈ શકે. બિલ્ડિંગમાં ગુંબજ, મીનારા અને યુરોપિયન શૈલીની કલાત્મક ડિઝાઈન દર્શાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે એના ઉપરના મુખ્ય ભાગ પર 16 અલગ અલગ સમુદાયના ચહેરા બનાવ્યા છે, જે એક વખતની મલ્ટિકલ્ચરલ મુંબઈની ઝલકનો નિર્દેશ કરે છે.
મહારાણી વિક્ટોરિયાના નામ પરથી પડ્યું નામ

આજે જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને આપણે જાણીએ છીએ, પહેલા તેનું નામ 'વિક્ટોરિયા ટર્મિનસ' (વીટી) હતું. આ ભવ્ય ઇમારતને વર્ષ 1887માં મહારાણી વિક્ટોરિયાના સુવર્ણ જયંતીના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે સામાન્ય લોકો માટે આ સ્ટેશનના દરવાજા 20 જૂન 1888ના દિવસે ખોલાવામાં આવ્યા હતા. એ જમાનામાં મુંબઈની સૌથી મોંઘી ઈમારત પૈકીની એક હતી, જે બનાવવામાં લગભગ ત્રણ લાખ પાઉન્ડનો ખર્ચ થયો હતો. સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર બે વિશાળ સ્તંભ છે, જેમાં એક પર સિંહનું ચિત્ર કોતર્યું છે, જે બ્રિટનનું પ્રતીક છે. જયારે અન્ય પર વાઘ પણ બનાવ્યા છે, જે ભારતની વીરતાના પ્રતીક માનવામાં આવે છે. આ ઇમારતના ગુંબજ પર 14 ફૂટ ઊંચી 'પ્રગતિ'ની મૂર્તિ લગાવવામાં આવી છે, જે વિકાસ અને આગળ વધવાનો સંદેશ આપે છે.
રોજના 30 લાખથી વધુ પ્રવાસી કરે છે અવરજવર

છત્રપતિ શિવાજી મહારાજ સ્ટેશન એક સ્ટેશન નથી, પરંતુ મુંબઈનો શ્વાસ છે. દુનિયાના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાં સમાવેશ થાય છે. રોજના 30 લાખથી વધુ લોકો પોતાના ઘરેથી નોકરીના સ્થળે તેમ જ પર્યટકો મુસાફરી કરે છે. સીએસએમટીના અઢાર પ્લેટફોર્મ છે, જેમાં સબર્બનના સાત અને 11 સ્ટેશનના લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના છે. એવરેજ ત્રણથી ચાર મિનિટે એક ટ્રેન સ્ટેશનમાંથી રવાના થાય છે, જ્યારે 2008ના 26/11ના આતંકવાદી હુમલામાં અનેક લોકોના મોત થયા હતા, જ્યારે દર વર્ષે ચોમાસામાં ટ્રેન અમુક કલાકો માટે ટ્રેન રોકાઈ જાય છે, પરંતુ આ સ્ટેશને રાઉન્ડ ધ ક્લોક હંમેશાં ધબકતું રહે છે અવિરત.