Sat Sep 05 2026

Logo

ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં અમીછાંટણાથી રસ્તા ભીંજાયા: કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે ઉકળાટ યથાવત

2026-06-21 13:30:00
Author: Mumbai Samachar Team
ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં અમીછાંટણાથી રસ્તા ભીંજાયા: કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે ઉકળાટ યથાવત

ભુજઃ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં પણ આ વર્ષે નૈઋત્યના ચોમાસાનું આગમન વિલંબમાં પડતાં ચિંતાના વાદળો છવાયા છે. જૂન મહિનાના બાકીના દિવસો મોટાભાગે વરસાદ વિહોણા રહેવાના હવામાન વિભાગના વર્તારા વચ્ચે આજે સવારે ભુજ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝરમર વરસાદ પડતાં માર્ગો ભીંજાયા હતા. 
બીજી તરફ, જિલ્લાના અન્ય ભાગોમાં સવારથી જ તડકા અને વાદળોની સંતાકુકડી વચ્ચે અસહ્ય બફારા અને ઉકળાટનો માહોલ યથાવત્ રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, પરંતુ તે પછી મોટા વરસાદની કોઈ સંભાવના દેખાડવામાં આવી નથી. પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રિ-મોન્સૂન ગતિવિધિના લીધે અલગ-અલગ વિસ્તારોમાં અમીછાંટણા થઈ રહ્યા છે, તેમ છતાં જોઈએ તેવો વરસાદી માહોલ હજુ સુધી બંધાયો નથી. આજે કંડલા એરપોર્ટ અને કંડલા પોર્ટ વિસ્તારમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી જ્યારે ભુજ શહેરમાં 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે નાગરિકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે.

હાલમાં સમગ્ર રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમ સક્રિય થઈ છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, આ બદલાયેલા વૈશ્વિક પ્રવાહોને જોતાં આગામી દિવસોમાં કચ્છ સહિત રાજ્યભરમાં વરસાદી ગતિવિધિઓ વેગ પકડે તેવો સાનુકૂળ માહોલ ઊભો થઈ રહ્યો છે, જે વાવણીની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર બની શકે છે.

ઉત્સવ વૈદ્ય