(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબીમાં એક રક્તરંજીત ખેલ ખેલાયો હતો, જેમાં સુરેન્દ્રનગરથી થોડા દિવસો પૂર્વે જ અહીં રહેવા આવેલા 35 વર્ષીય હનીફ ગફુરભાઈ ભટ્ટી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કિસ્સામાં મૃતકના સગા કાકા સહિત ચાર લોકોએ હનીફ પર અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ ધારદાર હથિયારો વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
પરિવારના સભ્યો દ્વારા કરાયેલા આક્ષેપો અનુસાર, મૃતકના કાકા ફારુકભાઈ ભટ્ટી ગેરકાયદે નશાના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. તેમને એવી શંકા હતી કે હનીફ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની માહિતી પોલીસ સુધી પહોંચાડે છે. આ જ શંકાના આધારે કાકા ફારુકભાઈ, રિયાઝ ભટ્ટી, સમીર સૈયદ અને નઝિમ દિવાન નામના શખ્સોએ યોજનાબદ્ધ રીતે હનીફને નિશાન બનાવ્યો હતો. રાત્રિના અંધકારમાં ચારેય શખ્સોએ હનીફને ઘેરી લઈ પહેલા ફાયરિંગ કર્યું હતું અને બાદમાં તીક્ષ્ણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
આ અણધાર્યા આઘાતથી મૃતકનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. હાલ તેની પત્ની હાલ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના ભાઈ રમજાનભાઈની કેફિયતને આધારે બી ડિવિઝન પોલીસે ચારેય ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.