Sat Jun 20 2026

Logo

દેશની વિદેશી હૂંડિયામણની અનામત 9.98 અબજ ડૉલર ઘટી

2026-06-20 20:49:18
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત 12મી જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને સોનાની અનામતમાં નોંધપાત્ર ઘટાડો થવાથી દેશની વિદેશી હૂંડિયામણની કુલ અનામત 9.985 અબજ ડૉલરના ઘટાડા સાથે 671.625 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 71.1 કરોડ ડૉલર ઘટીને 681.610 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશની કુલ અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 84.6 કરોડ ડૉલર વધીને 544.290 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

જોકે, સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 10.754 અબજ ડૉલરના કડાકા સાથે 103.821 અબજ ડૉલરના સ્તરે રહી હતી. આ સિવાય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 6.6 કરોડ ડૉલર ઘટીને 18.699 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 1.1 કરોડ ડૉલરના ઘટાડા સાથે 4.815 અબજ ડૉલરના સ્તરે રહ્યા હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં જણાવ્યું હતું.