Sun Jun 21 2026

Logo

હૉકીમાં ભારતીય મહિલા ટીમની અનેરી સિદ્ધિઃ ફાઇનલ જીતીને મેળવી આ સિદ્ધિ...

Auckland   2026-06-21 16:34:23
Author: Ajay Motiwala
Article Image

ઑકલૅન્ડઃ ભારતની મહિલા હૉકી ખેલાડીઓએ શાનદાર પર્ફોર્મન્સ જાળવી રાખીને યજમાન ન્યૂ ઝીલૅન્ડને અહીં એફઆઇએચ (FIH) વિમેન્સ નૅશન્સ કપની ફાઇનલમાં 2-0થી હરાવીને ટાઇટલ જીતી લેવાની સાથે વિમેન્સ પ્રો લીગમાં એન્ટ્રી કરી હતી. 2022 પછી ભારતીય ટીમ બીજી વખત નૅશન્સ કપ (NATION'S CUP) ટાઇટલ જીતી છે.

નવનીત કૌરે ચોથી મિનિટમાં ગોલ કરીને ભારતને 1-0થી સરસાઈ અપાવી હતી. 15મી મિનિટમાં સુનેલિતા ટૉપ્પોએ ગોલ કરીને સરસાઈ વધારીને 2-0 કરી હતી.

બન્ને ગોલ કરીને ભારતે પોતાની આક્રમક રણનીતિનો પુરાવો આપ્યો હતો અને આ સાથે ભારતીય ડિફેન્ડરોએ ન્યૂ ઝીલૅન્ડની મજબૂત ટીમને અંકુશમાં રાખી હતી.

લાલરેમસિયામી `પ્લેયર ઑફ ધ ફાઇનલ'નો અવૉર્ડ જીતી હતી, જ્યારે દીપિકાએ કુલ છ ગોલ સાથે ટૂર્નામેન્ટમાં અમેરિકાની ઍશ્લી સેસા સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અપરાજિત રહી હતી. ભારતે અમેરિકાને 3-2થી, જાપાનને 2-1થી અને ઉરુગ્વેને 3-2થી હરાવ્યું હતું. સેમિ ફાઇનલમાં ભારતનો ચિલી સામે 6-0થી વિજય થયો હતો.