વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે. આ દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચીમકી આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી છે. તેમજ જણાવ્યું કે જો ઈરાન આમ કરશે તો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે અને ટોલ વસૂલ કરશે. તેમજ 20 ટકા ક્રૂડ ભંડાર પર કબજો પણ કરશે.
તમારી પાસે કોઈ દેશ બચશે નહીં.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની હિંમત કરશે તો તેનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. ટ્રમ્પે કહ્યું, તમે તેને બંધ કરી દો અને તમારી પાસે કોઈ દેશ બચશે નહીં. તમે તમારા દેશમાં પાછા પણ ફરી શકશો નહીં.
જહાજો પાસેથી ટોલ વસૂલ કરીશું
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો જરૂર પડશે તો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે. જો તેઓ કોઈ સમજૂતી પર નહીં પહોંચે તો અમે ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલ કરીશું.ટ્રમ્પની ચેતવણી ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાના નિવેદન પછી આવી હતી.
ક્રુડ ઓઈલને સુરક્ષિત પસાર કરાવવો અમેરિકાની પ્રાથમિકતા
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે નવું વિઝન રજુ કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટના ગાર્ડિયન એન્જલ તરીકે કાર્ય કરશે. જેના બદલે અમેરિકા ક્રુડ ઓઈલનો 20 ટકા જથ્થો તેની પાસે રાખશે. અમેરિકન સૈન્ય હવે મુકપ્રેક્ષક નહી બને. તેમજ ખાડી દેશોના ક્રુડ ઓઈલને સુરક્ષિત પસાર કરાવવો અમેરિકાની પ્રાથમિકતા રહેશે.