Wed Sep 09 2026

Logo

NEET પરીક્ષા: અમદાવાદની કોલેજમાં હિજાબ પહેરીને પ્રવેશ આપવા મુદ્દે વિવાદ

2026-06-21 18:19:53
Author: Devayat Khatana
NEET પરીક્ષા: અમદાવાદની કોલેજમાં હિજાબ પહેરીને પ્રવેશ આપવા મુદ્દે વિવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
 ગત 3 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા 'નીટ'ની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ તેમા પેપર લીક અને અન્ય ગેરરીતિઓનો આક્ષેપ થયો હતો. બાદમાં સમગ્ર પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી અને 21મી જૂન પુનઃ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી આજે પરીક્ષા યોજવામાં આવી હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારોએ 'નીટ'ની પરીક્ષા લેવામાં આવી હતી. 

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી એક કોલેજમાં હિજાબ પહેરીને પ્રવેશ આપવા મુદ્દે વિવાદ થયો હતો. 

મળતી વિગતો અનુસાર ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ એનટીએ દ્વારા 'નીટ'ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી   આર. જે ટીબરેવાલ કોલેજમાં ભારે વિવાદ થયો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમેદવારોના વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે એનટીએના પરીક્ષા નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કે માળાને કાઢી લેવામાં આવી હતી. જો કે એક છોકરી હિજાબ પહેરીને આવી હતી, આથી પોલીસના સ્ટાફ દ્વારા તેને રોકવામાં પણ આવી હતી. 

આ બાબતે તેણે બબાલ કરી હતી અને અંતે તેને પરીક્ષા આપવા દેવામાં આવી હતી. વાલીઓએ સંસ્થા પર પરીક્ષામાં અપનાવવામાં આવી રહેલા બેવડા ધોરણો સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પરીક્ષાના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ, કોઇ એક વર્ગને વિશેષ સુવિધા અને અન્યને અન્યાય ન થવો જોઈએ. 

જો કે બાદમાં આ બનાવની જાણ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદને થઈ ત્યારે તેના કાર્યકરો કોલેજ પર પહોંચી ગયા હતા. કોલેજ પરિસરમાં કોઇ અન્ય બનાવ ન બને તે માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ત્રણ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.

બીજી તરફ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના કાર્યકરો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેઓને બહારથી જ પરત મોકલી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.