ન્યૂ યૉર્કઃ અમેરિકામાં અત્યારે ફૂટબૉલનો ઉત્સવ ચાલી રહ્યો છે, પણ આ દેશમાં ટેનિસના ડાઇ-હાર્ડ ફૅન્સની સંખ્યા પણ ઓછી નથી. એટલે જ તો બે મહિના પછી (પચીસમી ઑગસ્ટે) મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરની જે એક્ઝિબિશન મૅચ રમાવાની છે એની ઑનલાઇન ટિકિટ મેળવી લેવા અત્યારથી જ ટેનિસચાહકો પડાપડી કરી રહ્યા છે. અનેક ટેનિસફૅન્સે ટિકિટ મેળવી લીધી છે અને બે મહિના પછીનું શેડ્યૂલ પણ બનાવી રાખ્યું છે કે જેથી ફેડરરની મૅચ ચૂકી ન જવાય.
સ્વિટ્ઝરલૅન્ડનો ફેડરર (Federer) આઠમી ઑગસ્ટે જીવનના 45મા વર્ષમાં પ્રવેશ કરશે. તે પ્રોફેશનલ પ્લેયર તરીકેની 24 વર્ષની લાંબી કરીઅરમાં સિંગલ્સના કુલ 20 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો હતો. એમાં વિક્રમજનક આઠ ટાઇટલ વિમ્બલ્ડનના હતા. તે યુએસ ઓપનના પાંચ ટાઇટલ જીત્યો હતો અને આ જ ટૂર્નામેન્ટના સ્થળ ન્યૂ યૉર્કના ફ્લશિંગ મીડૉઝના આર્થર ઍશ સ્ટેડિયમમાં તે પચીસમી ઑગસ્ટે પ્રદર્શનીય મૅચ રમશે.
એ અવસરે ટેનિસપ્રેમીઓને માત્ર ફેડરરનો જ પર્ફોર્મન્સ નહીં જોવા મળે. ત્યારે બીજા મહાન ખેલાડીઓ જૉન મૅકેન્રો, આન્દ્રે ઍગાસી તથા ઍન્ડી રૉડિક વગેરે પણ એક્ઝિબિશન મૅચ રમવાના છે એટલે ટેનિસપ્રેમીઓને એક સાથે અનેક લેજન્ડને જોવા મળશે.
એક અહેવાલ મુજબ ફેડરર સહિતના ખેલાડીઓની મૅચો માણવા માટેની ટિકિટના દર 238 ડૉલર (અંદાજે 22,450 રૂપિયા)થી માંડીને 1,300 ડૉલર (1,23,000 રૂપિયા) છે. આ મૅચ મંગળવાર, પચીસમી ઑગસ્ટે ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ (ઇએસટી) મુજબ સાંજે 7.00 વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે 4.30 વાગ્યે) શરૂ થશે.