નવી દિલ્હીઃ તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (Reliance AGM) યોજાઈ હતી. આ એજીએમ (AGM)માં રિલાયન્સે ઘણી મોટી જાહેરાતો કરી હતી. આ સાથે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમના ઓઇલ-ટુ-ટેલિકોમ અને રિટેલ ગ્રૂપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોજબરોજના કામકાજની જવાબદારીઓ તેમના બાળકોને સોંપવાનું કામ "લગભગ પૂરું" થઈ ગયું છે. ભારતની સૌથી વધુ માર્કેટ વેલ્યુ ધરાવતી કંપનીમાં ઉત્તરાધિકાર (વારસા)ની આ પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે, જેના પર સૌની નજર ટકેલી હતી.
અંબાણીએ કહ્યું કે આકાશ, ઈશા અને અનંત હવે ગ્રૂપના મુખ્ય વ્યવસાયોની કમાન સંભાળી રહ્યા છે અને તેઓ જ ગ્રૂપના વિકાસના આગામી તબક્કાને આગળ ધપાવશે. જેમાં ટેલિકોમ, રિટેલ, ડિજિટલ સર્વિસિસ અને ન્યૂ એનર્જી સેક્ટરમાં મોટા પગલાં સામેલ છે.
અંબાણીએ પોતાના ત્રણેય બાળકોના વખાણ કરતા કહ્યું, ‘રિલાયન્સમાં રોજબરોજના મેનેજમેન્ટની જવાબદારીઓ નવી પેઢીને સોંપવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે.’ આનાથી સંકેત મળે છે કે વારસાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેમણે શેરધારકોને કહ્યું, "તમારી કંપનીનું ભવિષ્ય માત્ર સુરક્ષિત હાથોમાં જ નથી, પરંતુ એવા હાથોમાં છે જે તેને વધુ ઊંચાઈઓ પર લઈ જશે."
ગયા વર્ષની જેમ આ વખતે પણ તેમણે આકાશ અને ઈશાને અનુક્રમે ટેલિકોમ અને રિટેલ બિઝનેસની યોજનાઓ રજૂ કરવા માટે મંચ આપ્યો હતો. તેમના સૌથી નાના પુત્ર અનંત, જેમને ગયા વર્ષે મે મહિનામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે ઊર્જા ક્ષેત્ર (એનર્જી સેક્ટર) સાથે જોડાયેલી બિઝનેસની માહિતી શેર કરી હતી.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ‘ઈશા, આકાશ અને અનંતે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ત્રણ પરિવર્તનકારી વર્ષ પૂર્ણ કર્યા છે. ઈશા કન્ઝ્યુમર બિઝનેસનું નેતૃત્વ કરે છે, આકાશ ટેક્નોલોજી બિઝનેસનું નેતૃત્વ કરે છે અને અનંત એનર્જી બિઝનેસની કમાન સંભાળી રહ્યા છે.’ તેમણે ઉમેર્યું કે આ ત્રણેય જણા મળીને આખા ગ્રૂપના સર્વગ્રાહી વિકાસ માટે કામ કરી રહ્યા છે.
હજુ પણ એક્ટિવ છું: અંબાણી
અંબાણીએ જણાવ્યું કે તેઓ હજુ પણ સક્રિય (એક્ટિવ) રહે છે અને ઘણા મોટા નિર્ણયોમાં પોતાની ભૂમિકા ભજવે છે. અંબાણીએ સ્પષ્ટ કર્યું કે રોજબરોજની જવાબદારીઓમાં ફેરફાર હવે અંતિમ તબક્કામાં છે. તેમનો વર્તમાન કાર્યકાળ એપ્રિલ 2029માં પૂરો થશે.
ત્રણેય બાળકોએ કર્યું પ્રતિનિધિત્વ
એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિએ જણાવ્યું કે, જ્યાં તેઓ પોતે પણ લીડરશિપની ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યાં જ તેમના ત્રણેય બાળકોની મદદ માટે અલગ-અલગ બિઝનેસમાં 30 અને 40 વર્ષની ઉંમર ધરાવતા આશરે 500 યુવા લીડર્સને તૈયાર કરવામાં આવ્યા છે.