Sun Jun 21 2026

Logo

આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિનું સિંચન જરૂરીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

2026-06-21 21:03:42
Author: Mumbai Samachar Team
Article Image

જબલપુરઃ વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓએ વિદ્યાર્થીઓમાં આધુનિકતાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ભાવના પણ કેળવવી જોઇએ. આ વાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્ય પ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના ૩૬માં દીક્ષાંત સમારોહના સંબોધનમાં કહી હતી.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ પાસેથી વિદ્યાર્થીઓમાં આધુનિકતાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ભાવના કેળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમજ તેમણે આદિવાસી સમુદાયોમાં કૌશલ્ય અને જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

તેમણે યુવાનોને તેમની ઓળખ અને પરંપરાની પવિત્રતા જાળવી રાખવાની હાકલ કરતાં કહ્યું કે દેશનો સંતુલિત વિકાસ આધુનિકતા અને પરંપરાના સમન્વય દ્વારા જ શક્ય છે.

મુર્મુએ કહ્યું કે રાણી દુર્ગાવતી કે જેમના નામે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે તેઓ બલિદાન, આકરી મહેનત અને સમર્પણનું ઉદાહરણ હતા. તેમને ગોંડવાના સામ્રાજ્યના મહાન શાસક તરીકે ઓળખવામાં આવે છે. રાણી દુર્ગાવતી મહિલા સશક્તિકરણ માટે પ્રેરણાનું પ્રતીક રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વિકાસની દોડમાં પાછળ રહેલા લોકોને આગળ લાવવા અને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા જરૂરી છે. આપણા વિદ્યાર્થીઓ અને યુવાનોને આધુનિક વિકાસમાં ભાગ લેવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઇએ.

મુર્મુએ દીક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારાઓમાં મહિલાઓની નોંધપાત્ર સંખ્યા અંગે ખુશી વ્યક્ત કરી હતી. મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ અને મુખ્ય પ્રધાન મોહન યાદવે પણ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો.