હેમંત વાળા
સનાતની પરંપરામાં વિકસેલ શાસ્ત્રીય સંગીતમાં એવી ક્ષમતા હતી કે ચોક્કસ રાગ ચોક્કસ સમયે શાસ્ત્રીય રીતે જો ગાવામાં આવે તો તેનાથી દીવો પણ પ્રગટે અને વર્ષા પણ થાય. ઇતિહાસમાં આ વાત સ્થાપિત થઈ ચૂકી છે. કોઈ પરધર્મીના શાસનમાં આવી ઘટના ઘટીત થઈ છે, નોંધાઈ છે. આથી આ બાબત માટે પૂર્વગ્રહિત લોકોના મનમાં શંકા ન રહેવી જોઈએ. શાસ્ત્રીય સંગીતના ચોક્કસ રાગ દ્વારા અગ્નિ પ્રગટ થઈ શકે, અગ્નિ શાંત થઈ શકે, પવન વહી શકે, સુગંધ પ્રસરી શકે અને વરસાદને પણ આમંત્રણ આપી શકાય. આ એક વિજ્ઞાન છે, માન્યતા નથી.
જે દેખાતું નથી તેનું અસ્તિત્વ નથી તેમ માની ન શકાય. આજના વિજ્ઞાનની કેટલીક બાબતો - પૂર્વ ધારણાઓ એ પ્રકારની છે કે જેને જોઈ શકાતી નથી પણ તેના અસ્તિત્વનો સ્વીકાર કરાયો છે. જે દેખાતું નથી તેનું અસ્તિત્વ ન હોય તેમ હવે માનવાને કારણ નથી. વિજ્ઞાન જ્ઞાનેન્દ્રિયોની પહોંચથી આગળ નીકળી ગયું છે. વિજ્ઞાન બુદ્ધિના તર્કના સીમાડા સુધી પહોંચી ગયું છે, ક્યારેક તો એમ જણાય છે કે વિજ્ઞાન આ સીમાડાને ઓળંગવાનો પ્રયત્ન કરે છે. જો અર્વાચીન વિજ્ઞાનની આવી બાબતો માન્ય રહેતી હોય તો પ્રાચીન વિજ્ઞાનની આવી બાબતો તો માન્ય રહેવી જ જોઈએ.
ધ્વનિના તરંગો શક્તિ અર્થાત ઊર્જા ઉત્પન્ન કરી શકે. ધ્વનિ સ્વયં શક્તિ છે. આજના વિજ્ઞાનની પરિભાષા પ્રમાણે, જો શક્તિનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય હોય તો એમ કહી શકાય કે ધ્વનિ શક્તિનું રૂપાંતરણ પ્રકાશ શક્તિમાં થવું શક્ય છે. આ માટે ધ્વનિ તેમજ પ્રકાશ શક્તિ માટે જરૂરી સામગ્રીની હાજરી આવશ્યક છે. ધ્વનિ માટે શાસ્ત્રીય રીતે ચોક્કસ માળખામાં સ્વર નીકળી શકે તેવું વાજિંત્ર કે ગળું જરૂરી છે.
તેવી જ રીતે પ્રકાશ માટે તૈયાર દીવો જરૂરી છે. આ બંનેની હાજરી ન હોય તો ધ્વનિ શક્તિ તેનું જરૂરી સ્વરૂપ ધારણ ન કરી શકે અને પ્રકાશ શક્તિ તેની હાજરી પ્રતીત ન કરાવી શકે. દરેક પ્રકારના અનુકૂળ સંજોગો જરૂરી છે. અનુકૂળ સંજોગોમાં એકાગ્રતા માટેનું અનુકૂળ વાતાવરણ પણ જરૂરી છે. શાસ્ત્રીય રાગની પ્રસ્તુતિમાં જો અનિચ્છનીય ખલેલ-પછી તે માનસિક હોય કે દુન્યવી- પડ્યાં કરતી હોય તો પરિણામ સંભવ નથી.
સ્થૂળ વિશ્વ પર સૂક્ષ્મ વિશ્વનો પ્રભાવ હોય છે. સૂક્ષ્મતા જો શુદ્ધ હોય, નિર્દોષ હોય, કામના રહિત હોય તો જ સ્થૂળતા પર તેની અસર સંભવી શકે. એક નિયંત્રિત છે અને એક નિયંત્રક છે. પાંચ મહાભૂતમાનું એક અગ્નિ નિયંત્રિત છે, અને તેને નિયંત્રણ કરનાર ધ્વનિમાંથી ઉદ્ભવતો સૂક્ષ્મ ભાવ છે. જો સૂક્ષ્મ ભાવ સવિકલ્પ હોય, શંકાયુક્ત હોય, અસમંજસમાં હોય, શ્રદ્ધા તથા વિશ્વાસ વિનાનો હોય તો તેના થકી સ્થૂળ વિશ્વ પર થનારી સંભવિત અસર નિષ્ફળ પણ બને. સંસારનો આ સર્વ સ્વીકૃત અને સામાન્ય સિદ્ધાંત છે. દિપક પ્રગટશે કે નહીં એ બાબતે જો કોઈ દ્વિધા હોય તો દીપક ન પ્રગટવાનું પસંદ કરે.
સનાતની આધ્યાત્મિક સાહિત્ય પ્રમાણે સૃષ્ટિના સર્જનના શરૂઆતના તબક્કામાં ધ્વનિનું સર્જન થયું હતું. આ ધ્વનિએ સમયાંતરે જુદા જુદા સ્વરૂપો ધારણ કર્યાં, જેમાંનું એક સ્વરૂપ પ્રકાશ છે. અર્થાત પ્રકાશનો ઉદ્ભવ ધ્વનિમાંથી થયો છે -ધ્વનિમાંથી પ્રકાશ ઉદ્ભવી શકે. જો ઇતિહાસમાં આ શક્ય બન્યું હોય તો આજે પણ શક્ય બને છે. જો આ ઇતિહાસને માનવામાં ન આવે તો આ પ્રકારનું તારણ ન નીકળી શકે. સનાતની તત્ત્વજ્ઞાન મુજબ પ્રારંભિક ધ્વનિ ૐનો છે. આધુનિક અવકાશ વિજ્ઞાનમાં આ સાબિત પણ થઈ ચૂક્યું છે. અર્થાત સનાતની સંસ્કૃતિમાં પ્રવર્તતું ઇતિહાસનું આ જ્ઞાન સત્ય છે. અર્થાત ધ્વનિ થકી પ્રકાશનું સર્જન થઈ શકે.
ધ્વનિના તરંગો પડદો હલાવી શકે. ધ્વનિ નરમાશ ધરાવતી બાબતોમાં તરંગ સ્થાપિત કરી શકે. ધ્વનિના તરંગો હવાને એક સ્થાનેથી અન્ય સ્થાને સ્થળાંતરિત કરી શકે. ધ્વનિના તરંગો સ્પંદન પ્રવાહિત કરી શકે. ધ્વનિ માહોલની સુક્ષ્મતાની ગુણવત્તાને અસર કરી શકે. ધ્વનિના તરંગો લાગણીને અસર કરી શકે. ધ્વનિના તરંગો શાશ્વત છે.
ધ્વનિના તરંગો અલખ સાથે પણ સંપર્ક સાધી શકે. પણ આ બધું ત્યારે જ શક્ય બની જ્યારે ધ્વનિ ઉત્પન્ન કરવા માટેની અને તેને એ પ્રમાણે પ્રવાહિત કરવા માટેની પારંગતતા હોય. એ તો વ્યવહારુ વાત છે કે જો સાધનનો ઉપયોગ કરતાં ન આવડે તો સાધન પરિણામ ન આપી શકે. દીવો પ્રગટે એ સાધ્ય છે અને ધ્વનિ એ સાધન છે. દીવો પ્રગટાવવા માટે, સાધન તરીકે શાસ્ત્રીય રાગની સમજ સાથે તેનું ચોક્કસ રીતે ધ્વનિમાં રૂપાંતર થાય તે જરૂરી છે. આ રૂપાંતર સાથે ભાવના તથા શ્રદ્ધા સંકળાયેલી હોવી જોઈએ.
દરેક શબ્દનો અર્થ છે. દરેક શબ્દ એ ચોક્કસ પ્રકારના ધ્વનિનું સંયોજન છે. અર્થાત દરેક ધ્વનિનો એક અર્થ છે. દરેક ધ્વનિ મનને ચોક્કસ માહિતી પહોંચાડી શકે છે. દરેક ધ્વનિ એક અર્થને પ્રસ્તુત કરે છે. સામાન્ય સંજોગોમાં એમ કહી શકાય કે ધ્વનિનું ચોક્કસ સ્વરૂપ છે એટલે ચોક્કસ અર્થ સમજમાં આવે છે.
અર્થ સમજમાં આવ્યા પછી તે પ્રમાણેનું આચરણ અસ્તિત્વમાં આવે. મન દ્વારા અર્થ વિશે જ્ઞાન થયા બાદ શરીર તે પ્રમાણે પ્રતિભાવ આપે. દીવો પણ એક શરીર છે. એ પણ આ પ્રકારનો પ્રતિભાવ આપી શકે. દીવાની વાટની આજુબાજુ એકત્રિત થયેલી અણુઓ ચોક્કસ રીતે દીવામાં પ્રકાશની સ્થાપના કરી શકે - જેમ મનના અણુઓ ધ્વનિના સંદર્ભમાં તેમનું કાર્ય કરે છે.
તર્ક તો ઘણાં આપી શકાય, પણ મન માનવા તૈયાર થાય તો જ તે માને. લાખ તર્ક આપ્યા છતાં પણ જો મન માનવા તૈયાર જ ન હોય તો બધું વ્યર્થ જાય. પરંતુ સનાતની સંસ્કૃતિના અત્યાર સુધીના ઈતિહાસ પરથી તો એમ કહી શકાય, કે આ વાત આજે નહીં તો કાલે, વાયા પશ્ચિમ થઈને, દુનિયાએ સ્વીકારવી પડશે.