Thu Jun 25 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ લઘુકથા જલદી લખી શકાય ખરી?

2026-04-09 08:44:00
Author: Pragya Vashi
Article Image

 

પ્રજ્ઞા વશી

એક પ્રકાશકે બે દિવસમાં લઘુકથા પોતાના સામયિકમાં છાપવા માગી. કોઈ અમંગળ ચોઘડિયે રસિકભાઈએ મહાન લેખકોની શ્રેણીમાં બેસવા માટે પ્રકાશકને હા કહી તો દીધી, પણ કવિતા લખતા રસિકભાઈને લઘુકથા લખવામાં નવ નેજાં પાણી ઊતરવાનાં છે એ ક્યાં ખબર હતી? એમને તો એમ કે કવિતામાં જેમ જોડકણાં જોડી દઉં છું એમ આમાં પણ જલદી લખવાનું અને તે પણ લઘુ. (ટૂંકુ ને ટચ) એમાં મારા જેવા સિદ્ધહસ્ત ખેલાડીને ભલા શી વાર લાગવાની?  આમ ચપટી વગાડતામાં લખીને મોકલી આપીશ.

પછી તો રસિકભાઈએ પ્રભુનું સ્મરણ કરીને નવી બોલપેન અને કાગળોની થપ્પી લઈને બેઠક જમાવી. ટેબલ ઉપર ચાની કીટલી, પાણીનો જગ અને થોડા મનગમતા નાસ્તાના ડબ્બા ઍનર્જી મેળવવા પત્ની પાસે મંગાવ્યા.પત્ની ડબ્બા, ચા-પાણી વગેરે શસ્ત્ર સરંજામ ગોઠવતી વખતેએનાં વરસોથી બોલતી આવેલા ડાયલોગ બોલીને જંપી: 

‘તે આમ લખ લખ કરવાથી તમને હું મળવાનું છે? રૂપિયાની કમાણી નહીં ને માથાની  કઢી કરવાની! રાતભરના ઉજાગરા કરવાના. પછી કેડ અમારે દબાવવાની અને દસ વાર ચા -નાસ્તાની ફરમાઈશ પૂરી કરવાની. વરસોથી કકળાટ કરું છું. પણ જરાક પણ જો મારી વાત સમજતા હોત તો આજે મારી સાથે હીંચકે બેસી ઝૂલતા હોત...  પણ ના, મહાન જો બનવું છે!’  

‘તારી બડ બડ બંધ કર ને બધા ડબ્બા ને જગ મૂકી દીધા હોય તો જા, તને નહીં સમજાય કે સાહિત્ય એટલે શું, લઘુકથા એટલે શું, કવિતા   એટલે શું...’ 

‘તમને સમજી શકી એટલું શું કાફી નથી ? એકની વિદ્વતા ઓછી છે તે પાછી વળી હું લઘુકથા લખતી થઈશ તો તમને ભારે પડી જશે. સમજ્યા? મને પણ કંઈ જેવી તેવી ના સમજતા. લખવા બેસું તો તમારાથી ઝડપી લખીને મૂકી દઉં...’  (પડીકું વાળી દઉં.)
‘હવે બક બક બંધ કરીશ? કેવો સરસ પ્લોટ મનમાં આવ્યો હતો તે પણ રામ જાણે! આ તારા બકવાસમાં ક્યાંનો ક્યાં છટકી ગયો.’ 

‘આવા વગર કામના પ્લોટ પાછળ મગજ ઘસઘસ કરો છો એના કરતાં એક બંગલો બાંધવાનો પ્લોટ શોધવા હું તમને વરસોથી કહું છું. તે શોધી કાઢતા હોય તો એક સરસ બંગલામાં આપણે રહેતાં હોત. પણ ના... આવા નકામા હવાઈ મહેલ પ્લોટ બનાવવા બેવડ વળી ગયા તોય સાનભાન ઠેકાણે આવતી નથી. રાત આખી છેકછાક કરશો, કૈં કેટલા કાગળોનો કચ્ચરઘાણ વાળશો, ઘર ગંદું કરશો, ચા - નાસ્તા પૂરાં કરશો અને સવારે દસ વાગ્યે મહાશય ઊઠશે ત્યારે કહેશે... કોઈ પ્લોટ હોય તો બતાવને. વાર્તા તો જામતી જ નથી...’

આખરે કીટલીમાંથી ચા પીધી. જેથી ચેતાતંત્ર, મગજ ઝડપથી કામ કરતું થાય. મા સરસ્વતીને વંદન કરી પહેલાં પાત્રાલેખન વિશે એમણે મંથન કર્યું. એમણે વિચાર્યું કે લઘુકથામાં   પતિ- પત્ની અને ક્યાં બે છોકરા, ક્યાં પછી મા - બાપને પાત્ર રૂપે લઈને લઘુકથા શરૂ કરું. પછી વળી બધાને જ સમાવીને એક સંયુક્ત કુટુંબની વિભાવના જાગૃત કરવા કુલ છ પાત્ર નક્કી કરી રસિકભાઈએ વાર્તાનાં શ્રીગણેશ કર્યાં. પતિ પત્નીના ઝગડા, મા - બાપની સમજાવટ, દીકરા - દીકરી ઉપર આ ઝઘડાની ખરાબ અસર... જેવા મેલોડ્રામા ચીતરતાં ચીતરતાં લગભગ મળસકે કૂકડો બોલ્યો   ત્યારે એમણે ઝોકું ખાધું અને જે સૂતા તે સીધા બપોરે બાર વાગ્યે જમવાના સમયે જ ઊઠ્યા.

ઊઠીને સીધા પોતાનાં ટેબલ-ખુરશી તરફ ગયા. તો આ શું? ટેબલ સાવ ખાલીખમ! વાર્તાના કાગળો ક્યાં? આખી રાત ડૂચા કરીને નાખેલા કાગળો પણ ક્યાં?
‘અરે, મારા કાગળો ક્યાં છે?’

મોટેથી બરાડો પાડ્યો ને ઘરનાં બધા હાજર. માતા-પિતા, પત્ની અને બે બાળકો. કેવી સરસ લઘુકથા લખી હતી. કેટલો પસીનો પાડ્યો હતો. આખી રાતનો ઉજાગરો અને આમ મારા લખેલાં કાગળો ક્યાં ગયા?’ 

પત્ની બોલી,’ મેં તો કચરો કાઢ્યો જ નથી. હું તો રસોઈ કરતી હતી.’  ત્યાં કચરાપેટી ગલીના નાકે ઠાલવીને આવેલી કામવાળીએ ભોળા ભાવે કહ્યું,: 

‘સાહેબ,
કાલે તમે કીધું હતું ને કે મારી આ લાઇબ્રેરી એ મંદિર સમાન છે. એમાં એક પણ કચરો, ડૂચાઓ કે ધૂળ ના હોવી જોઈએ. તે તમારો ઓરડો સાફ કરતી વેળા તમારી આજ્ઞાનું પાલન કર્યું. બધા કાગળના ડૂચાઓ ગલીના નાકેની કચરાપેટીમાં ફેંકતી આવી. જુઓ, કેટલી સરસ સફાઈ તમારા ઓરડાની કરી નાખી છે! આવી સફાઈ હું કાયમ કરતી રહીશ. તમે ખાલી પાંચસો રૂપિયા પગાર વધારી આપજો. હું સરસ રીતે બધું સફાચટ કરતી રહેવા...’

રસિકભાઈ તો સ્તબ્ધ. પણ હવે શું કરે?
એકવાર આગળની કામવાળીને ગુસ્સો કરવામાં થયેલી બબાલ યાદ આવી. રસિકભાઈનો ગુસ્સો સહન ન થતાં આગલી કામવાળી કામ છોડીને જતી રહી અને પછી કોઈ બીજીને પેલી   કામવાળીએ કામે ચડવા પણ ના દીધી. રસિકભાઈએ એક વર્ષ સુધી ઊભા ઊભા ઘરમાં પોતાં મારવાનું કામ કરવું પડેલું  એટલે આ કરુણાંતિકા બાદ હવે આ કામવાળી પર ગુસ્સો કરીને ય  લઘુકથા તો પાછી ન જ આવે,... ઉપરથી પત્ની પણ ટોણાં મારશે કે ‘પોતાનથી એક સારો પ્લોટ શોધી લાવતા કે નથી એક સારી કામવાળીને કે નથી એક પત્નીને સાચવી શકતા...  તો પછી જીવનમાં તમે શું ઉકાળવાના છો તે કહો.’

ત્યાં બહારથી નાનકો હાથમાં ભેલનું પડીકું લઈને આવ્યો અને  ‘લ્યો પપ્પા, ચાખો.’ એમ કહીને પડીકું સામે ધર્યું. એ ભેલના પડીકામાં ચટણીથી તરબતર થયેલી રસિકભાઈની લઘુકથાનું શીર્ષક વાંચવા મળ્યું: ‘મારી છેલ્લી દુ:ખદ કથા’! 
(સારું હતું કે ભેલની ચટણીમાં રંગાયેલા લેખકનું નામ  રસિક લાલ વંચાતું નહોતું, નહીંતર...)