કૌશિક મહેતા
ડિયર હની,
હમણાં જ આપણા પરિવારમાં એક છોકરાના લગ્ન થયા. ધામધૂમથી થયા , પણ એક મુદે ચર્ચા ચાલી : કઈ ઉંમરે લગ્ન કરવા જોઈએ ? છોકરાની ઉંમર 35 વર્ષની હતી અને છોકરીની વય પણ લગભગ એટલી જ. તારા ને મારા સમયમાં છોકરો નોકરી કરવા લાગે એટલે એના સંબધની વાત શરૂ થઇ જતી. છોકરી ગ્રેજ્યુએટ થઇ જાય એટલે એના માટે છોકરાની શોધ શરૂ થઇ જાય.જોકે છેલ્લા બે દસકામાં ચિત્ર બદલાઈ ગયું છે. હવે છોકરા 30 વર્ષ પહેલાં પરણતા નથી. 35 વર્ષ થઇ જાય તો એમના ચહેરા પર ચિંતાની કોઈ લકીરો દેખાતી નથી.
આ બદલાવનું કારણ શું છે?
આજના સમયમાં યુવાનો લગ્ન કરતાં પહેલાં પોતાની કારકિર્દીમાં સ્થિર થવા માગે છે. સારી નોકરી, વ્યવસાય અને આર્થિક રીતે પગભર થયા પછી જ તેઓ જવાબદારી લેવાનું પસંદ કરે છે. ઉપરાંત પ્રોફેશનલ કોર્સ અને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરતા જ ઘણીવાર 25-26 વર્ષની ઉંમર થઈ જતી હોય છે, ત્યારબાદ નોકરીનો અનુભવ મેળવવામાં સમય લાગે છે. આ બધા વચ્ચે સૌથી મહત્ત્વનું કારણ એ છે કે, ઘણા યુવાનો પોતાની આઝાદી અને લાઈફસ્ટાઈલને વહેલી જતી કરવા માંગતા નથી. તેઓ લગ્ન પહેલાં મિત્રો સાથે ફરવું, શોખ પૂરા કરવા અને બંધનમુક્ત જીવન જીવવાને પ્રાથમિકતા આપે છે. આ પેઢીન હવે એવું માને છે કે 20-22 વર્ષની ઉંમરે માનસિક પરિપક્વતા ઓછી હોય છે. 28-30 વર્ષની ઉંમરે વ્યક્તિ જીવનના નિર્ણયો લેવામાં વધુ સક્ષમ હોય છે.
જીવનસાથી માટેની અપેક્ષાઓ પણ બદલાઈ ગઈ છે...
શિક્ષણ અને જાગૃતિ વધવાને કારણે હવે યુવક-યુવતી જીવનસાથીની પસંદગીમાં સમાધાન કરવા તૈયાર નથી. યોગ્ય વિચારો, સમાન શિક્ષણ અને શોખ ધરાવતું પાત્ર શોધવામાં સમય લાગે છે. ઘણીવાર ઘરના મોટા સંતાનો પોતાના નાના ભાઈ-બહેનોના શિક્ષણ કે લગ્નની જવાબદારી પૂરી કરવા માટે પોતાના લગ્ન મોડા કરતા હોય છે. આજે લગ્ન એ માત્ર એક સામાજિક વિધિ મટીને વ્યક્તિગત પસંદગીનો વિષય બન્યો છે, જેમાં સારી ‘લાઈફસ્ટાઈલ’ અને ‘સિક્યોરિટી’ ને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
આ બદલાવ તો છે પણ એના કારણે કેટલીક સમસ્યા
ઉદ્ભવ વી શરૂ થઇ છે. એના પર જોઈએ એટલો વિચાર થતો નથી. સ્ત્રી અને પુરુષ બંનેમાં ઉંમર વધવા સાથે પ્રજનન ક્ષમતા કુદરતી રીતે ઘટે છે. ખાસ કરીને 30-35 વર્ષ પછી ગર્ભધારણમાં મુશ્કેલીઓ આવી શકે છે. જોકે, એ માટે એમને ઉપાય જડી ગયો છે. મોડા લગ્નને કારણે ભારતમાં આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન) અને અન્ય ફર્ટિલિટી ટ્રીટમેન્ટની માંગમાં છેલ્લાં 10 વર્ષમાં મોટો ઉછાળો આવ્યો છે. ડોક્ટરોના મતે 30-35 વર્ષ પછી ગર્ભધારણ માટે તબીબી મદદ લેનારા દંપતીઓની સંખ્યામાં 20% થી 30% નો વધારો થયો છે.
જોકે જોખમ એ છે કે, મોડા લગ્નને કારણે મોડી ઉંમરે થતા બાળકોમાં કેટલીકવાર આનુવંશિક ખામીઓ કે જન્મજાત બીમારીઓનું જોખમ વધી જાય છે. મોટી ઉંમરે ગર્ભધારણ કરવાથી માતાના સ્વાસ્થ્ય પર પણ જોખમ વધે છે.
આ ઉપરાંત કેટલીક બીજી સમસ્યા પણ ઊભી થાય છે
લગ્ન મોડા થાય તો બાળકો પણ મોડા થાય છે. પરિણામે, માતા-પિતા અને બાળકો વચ્ચે ઉંમરનો તફાવત ઘણો વધી જાય છે, જે ભવિષ્યમાં વિચારોના ટકરાવ અને સંવાદમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. બાળકો હજુ ભણતા હોય કે સેટલ થતા હોય, ત્યારે માતા-પિતા નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા હોય છે. આનાથી આર્થિક અને શારીરિક જવાબદારીઓ નિભાવવી પડકારજનક બને છે. લાંબો સમય એકલા રહ્યા પછી ક્યારેક માનસિક એકલતા કે હતાશાનો અનુભવ થઈ શકે છે, જેની અસર લગ્નજીવનના પ્રારંભિક ગાળા પર પડી શકે છે.
જોકે, મોડાં લગ્નના કેટલાક ફાયદા પણ છે, જેમ કે આર્થિક સ્થિરતા અને માનસિક પરિપક્વતા, પરંતુ આ બધી સમસ્યાઓ વચ્ચે પણ એક વાસ્તવિકતા છે જેનો વિચાર કરવો જરૂરી છે. અગાઉ 20 -22 વર્ષે લગ્ન થઇ જતા હતા અને એ કારણે એક સદીમાં પાંચ પેઢી જોવા મળતી. આજે લગ્નની વય વધતી જાય છે એ કારણે સદીમાં હવ ત્રણ પેઢી જ જોવા મળે એવી સંભવાના છે.
એક બીજો બદલાવ પણ નોંધવા જેવો છે. પહેલાં લગ્નોમાં મધ્યસ્થી રહેતા. એ પ્રથા હવે લગભગ પૂરી થઇ ગઈ છે. હવે એની જગ્યા મેટ્રિમોનિયલ સાઈટ અને મેરેજ બ્યુરોએ લીધી છે. 25 થી 30 વર્ષની વયના યુવાનોમાં સેલ્ફ-રજિસ્ટ્રેશન વધ્યું છે, જે દર્શાવે છે કે તે પોતાની રીતે સેટલ થયા પછી જ લગ્નનો નિર્ણય લે છે. લગભગ 70% થી 80% યુવાનો લગ્ન પહેલાં આર્થિક સ્વતંત્રતાને અનિવાર્ય ગણે છે.
મેટ્રોમાં તો એક નવોે ટ્રેન્ડ શરૂ થયો છે. સિંગલ મધરહૂડ કે સિંગલ ફાધરહૂડ શરૂ થયા છે. કેટલાક સર્વે એવું પણ સૂચવે છે કે મેટ્રો સિટીઝમાં ’લિવ-ઈન રિલેશનશિપ’ અને ‘સિંગલ રહેવાના’ ટ્રેન્ડને કારણે પણ લગ્નની ઉંમર પાછી ઠેલાઈ રહી છે.
મોટાભાગના સર્વે એ તરફ ઈશારો કરે છે કે આ એક વૈશ્વિક ટ્રેન્ડ છે. વિકસિત દેશોમાં આ પ્રક્રિયા વર્ષો પહેલા શરૂ થઈ હતી, જે હવે ભારતના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં પણ તેજીથી ફેલાઈ રહી છે. ઘણા કિસ્સામાં બ્રેક અપનું પ્રમાણ જોવા મળે છે. એ સંખ્યા વધતી જાય છે. આ મુદે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થવો જરૂરી છે, કારણ કે, લગ્ન એક સામાજિક રીતિ છે પણ હવે લગ્નમાં સમાજની બાદબાકી થઇ રહી છે. નવી પેઢીનું આ વલણ સમાજને ક્યાં લઇ જશે એ ભવિષ્ય ભાખવું મુશ્કેલ છે.
તારો બન્ની