ભુજ: કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા સરહદી ખડીર બેટ વિસ્તારની કાયાપલટ કરવા માટે માર્ગ અને પરિવહન ક્ષેત્રે એક મહત્વનો પ્રકલ્પ આખરી ઓપ લઈ રહ્યો છે. કચ્છના પ્રખ્યાત 'રોડ ટુ હેવન'ની તર્જ પર સફેદ રણ અને અફાટ સમુદ્ર વચ્ચેથી પસાર થતો ૨૨ કિલોમીટર લાંબો 'રોડ ટુ ઇન્ફિનિટી' હવે ગણતરીના દિવસોમાં જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રૂ. ૧૪૦ કરોડના માતબર ખર્ચે સાકાર થઈ રહેલો આ નવો માર્ગ એકલથી બામણકા ગામને જોડશે, જેનાથી ખડીર બેટના ૧૨ ગામોની ૧૨,૦૦૦થી વધુની વસ્તીને સીધો લાભ મળશે અને સમગ્ર વિસ્તારમાં વિકાસની નવી ક્રાંતિ આવશે.
નવા માર્ગના નિર્માણથી સ્થાનિક રણકાંઠાના લોકોને પરિવહનમાં બહુ મોટી રાહત મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ ખડીર વિસ્તારના ૧૧ ગામોના લોકોને રાપર કે ભચાઉ જવા માટે ૧૮૦ કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડતું હતું. જોકે, આ નવો રોડ શરૂ થતાં જ આ અંતર ઘટીને માત્ર ૭૦ કિલોમીટર થઈ જશે. પરિણામે, સ્થાનિકોના સમય અને ઇંધણ બંનેની મોટી બચત થશે.
આ નવો માર્ગ કચ્છના ઐતિહાસિક અને કાચબા આકારના 'હનુમાન બેટ' પરથી પસાર થાય છે, જ્યાં પુરાણપ્રસિદ્ધ રામેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે. આ ઉપરાંત, આ જ માર્ગ એશિયાના સૌથી મોટા સુરખાબ સંવર્ધન કેન્દ્ર એટલે કે 'ફ્લેમિંગો સિટી'ની બિલકુલ નજીકથી પસાર થાય છે. રામેશ્વર હનુમાન મંદિરના મહંત યોગી દેવનાથના જણાવ્યા મુજબ, આ માર્ગથી દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે દર્શનની રાહ સરળ બનશે અને શિયાળાની ઋતુમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ સરળતાથી સુરખાબ પક્ષીઓ નિહાળી શકશે. પ્રવાસી અનીસ શેખે ઉમેર્યું કે, અગાઉ પક્ષી દર્શન માટે ૩૦૦ કિલોમીટરનો ફેરો કરવો પડતો હતો, જે હવે ઘટીને માત્ર ૧૫૦ કિલોમીટર રહી જશે.
પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા ઉપરાંત, આ માર્ગ દેશની સુરક્ષા કાજે પણ અત્યંત મહત્વનો સાબિત થશે. સરહદી વિસ્તાર હોવાના કારણે ભારતીય સેનાને બોર્ડર સુધી ઝડપથી પહોંચવામાં આ રૂટ મોટો મદદગાર સાબિત થશે. બીજી તરફ, વૈશ્વિક ધરોહર સમાન હડપ્પીય સંસ્કૃતિના કેન્દ્ર ધોળાવીરા જવા માટે પણ પ્રવાસીઓને આ એક વૈકલ્પિક માર્ગ પૂરો પાડશે.
ભુઆ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે, ખડીર બેટ અને તેની આસપાસના ગ્રામજનોને રોજગાર અને વહીવટી કામો અર્થે વારંવાર ભચાઉ તાલુકે આવવું પડે છે. અગાઉ 'રોડ ટુ હેવન' ઉપલબ્ધ હતો જ, પરંતુ હવે આ 'રોડ ટુ ઇન્ફિનિટી' ઉમેરાતાં ધોળાવીરા પુરાતત્વીય સ્થળની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આવાગમન અત્યંત સુગમ બની જશે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી પડતર રહેલી ખડીર વાસીઓની આ માગણી સંતોષાતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે.
(ઉત્સવ વૈદ્ય)