Mon Jun 01 2026

Logo

સંગમતીર્થ સંતઃ ગૌરીશંકર તો ગૃહસ્થ ને સાધુ બંને હતા

2026-06-01 11:19:00
Author: Harish Vatavwala
Article Image

હરીશ વટાવવાળા

ધાર્મિક સંસ્કારોના પ્રભાવને કારણે ગૌરીશંકર વારંવાર સાધુ-સંતોની મુલાકાત લેતા હતા. ક્યારેક તો તેઓ ગિરનારના ખાખીબાવા-અઘોરીઓનો પણ સંપર્ક કરતા હતા. તેમની પાસેથી યોગનું જ્ઞાન મેળવતા હતા, જેની જાણ તેમના મા-બાપને નહોતી.
 
સાધુ-સંતોના સંપર્કને કારણે તેમનામાં સંન્યસ્તની ભાવના પ્રબળ બનતી જતી હતી. તેમના હૃદયમાં સમાજમાં ઘર કરી રહેલા રીત-રિવાજો, સંકુચિત મનોવૃત્તિ માટે તેમના મનમાં ગુસ્સો ઝળહળી રહ્યો હતો. જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં ત્યાં ખોટા રીત-રિવાજો દૂર કરવા માટે શ્રોતાઓને આગ્રહ કરતા હતા અને આવા રિવાજોને દૂર કરવા માટે સમજાવતા પણ હતા. તેમ જ સમાજમાંથી ગરીબી દૂર કરવા માટે નવા નવા નુસખાઓ માટે સતત વિચારી રહ્યા હતા. 

જેને હજી મૂછનો દોરો પણ ફૂટ્યો નહોતો એવા યુવાન ગૌરીશંકરમાં ઉદારચિત્ત વિચારોનો પ્રાદુર્ભાવ થયો. તેઓ તેમની ભાગવત કથામાં પણ સમાજમાં ઘર કરી બેઠેલા ખોટા રીત-રિવાજોને દૂર કરવા માટે જુદા જુદા દાખલા અને દલીલો દ્વારા શ્રોતાઓને સમજાવતા હતા. તેથી કેટલાક રૂઢિચુસ્તો તેમનાથી નિરાશ થતા. એમની ઉપર હુમલા પણ થતા ત્યારે તેઓ કહેતા: ‘જગતને કોપાવ્યું સારું, પણ એક સાધુને કોપાવ્યામાં બહુ ભય છે. 

જો સાધુ ખરેખર ઉત્તમ હોય અને તેને ખોટી રીતે હેરાન કરવામાં આવે તો તમે પાપનું પોટલું બાંધી રહ્યા છો, એ નિ:શંક છે. અને એ પાપનાં કડવા ફળ ચાખવાં પડે છે, પરંતુ સાધુ જો દોષિત હોય તો તેને વાજબી રીતે પણ હેરાન કરવામાં આવે તો તે તરત જ ગુસ્તે થઈ જશે, ખટપટ કરશે, પોતાને સાચો ઠેરવવા એ ઘણા ઘણા પેંતરા પણ કરશે.’

તે સમયે અનાચાર, પાખંડ, દંભ, નિષ્ક્રિયતા અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સમાજમાં ખૂબ જ પ્રવર્તતું હતું. તેથી પાખંડી સાધુઓને ઉત્તેજન મળતું હતું. આવા સાધુઓને ધ્યાનમાં રાખી મધ્યકાલીન કવિ અખાએ જે કહ્યું છે, તેને ગૌરીશંકર યાદ રાખવાનું કહે છે :

અજ્ઞાનીને ઊંટ બચકું, ઝાલ્યું મૂકે નહીં મુખ થકું,
અખા અણજાણ્યે પેઠું કાન, ચાલ્યા પંથ દર્શનને માન.
કને કિરતાર જાણ્યો જડે, વઢે ઢીકે ને કટારી કડ્યે.

આટલી નિર્ભિકતા તેમ જ નીડરતાથી સ્પષ્ટપણે સમાજને પોતાની પરિસ્થિતિનું ભાન કરાવનાર સુધારકો તો તે સમયે ઘણા ઓછા હતા. આવી ઉગ્રવાણીમાં સમાજને ઉદ્બોધન કરનાર સુધારકોમાં અખો, નર્મદની સાથે સાથે સંત શ્રી ગૌરીશંકરનું પણ નામ લેવું પડે; તો તે અયોગ્ય તો નથી જ.

એમના સમયમાં કેટલાક સાધુઓએ મનઘડંત નિયમો ઘડ્યા હતા: કોઈ પણ સાધુ ગૃહસ્થધર્મ પાળી ન શકે અને ગૃહસ્થધર્મ પાળીને શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે જ નહીં. ગૌરીશંકર તો ગૃહસ્થ અને સાધુ બંને હતા. તેઓ માનતા કે, ‘ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવા સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી.’ એમણે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો. 

શ્રીમદ્ ભાગવતનો એમણે તલસ્પર્શી અભ્યાસ શરૂ કર્યો. અને રૂઢિચુસ્ત સમાજને જ્ઞાનમાર્ગે લાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તેઓ આ રૂઢિચુસ્ત સમાજને સમજાવતા કે : ‘શાસ્ત્રાભ્યાસ માટે કોઈ પણ વ્યક્તિ લાયકાત ધરાવે છે. પછી તે સાધુ હોય, બ્રાહ્મણ હોય કે હરિજન હોય! એ પણ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે છે. કોઈ પણ શાસ્ત્રમાં એવો કોઈ જ આદેશ આપવામાં આવેલ નથી કે, સામાન્યજન શાસ્ત્રાભ્યાસ ન કરી શકે.’

સંત શ્રી ગૌરીશંકર મહારાજે તો ભાગવતમાંથી કેટલાક અવતરણોને ટાંકી, પૂરાવા રજૂ કરી સાધુઓની પોકળતા પર પ્રહારો કરવાની શરૂઆત કરી હતી. સ્વાભાવિક રીતે જ સાધુઓને આ વાત ન ગમી. એટલું જ નહીં, એ સહન કરી શક્યા નહીં, કારણ એટલું જ હતું કે, જનતા જો શાસ્ત્રની અભ્યાસી બને તો એમને પોતાનું સ્થાન અને સત્તા જોખમમાં મુકાય એવું લાગતું હતું. આમ કુસાધુઓને છંછેડીને એમણે અંધશ્રદ્ધાળુ લોકો અને કુસાધુઓની દુશ્મનાવટ વહોરી લીધી હતી. 

સાધુજીવનની વ્યાખ્યા કરતાં એમણે જણાવ્યું હતું કે, ‘સામાન્ય હૃદયમાં પોતાના વિચારોનું સહેલાઈથી આરોપણ કરી શકે તેવું વ્યક્તિત્વ અને વર્તન જે સાધુનું હોય તે માનને પાત્ર છે. જે સાધુની અહોનિશ શાંતમુદ્રા રહેતી હોય, જે કોઈ ખટપટમાં ભાગ લેતા ન હોય, અભ્યાસ, ઉપદેશ અને ધ્યાનમાં દિવસનો મોટો ભાગ વ્યતીત કરતા હોય, કુદરતના ખજાનામાંથી નૂતન અભિનિવેશે નવનીતને પામવાનો સતત પ્રયત્ન કરતા હોય એવા સાધુ માટે, વગર પ્રયાસે માન ઉત્પન્ન થાય.’ જે સાધુ છે, સંન્યાસી છે, યોગી છે. 

તેનું હૃદય અને ચારિત્ર્ય બંને શુદ્ધ હોવાં જોઈએ. હૃદયની અશુદ્ધિ તો કદાચ ક્ષમ્ય ગણાય, પરંતુ ચારિત્ર્યનું સ્ખલન તો સાધુ માટે અક્ષમ્ય ગુનો ગણાય. ચારિત્ર્યશુદ્ધિ ન રાખી શકે એને સાધુ કહેવાય જ કેમ? સાધુ અને સાધુજીવન અંગે અસંખ્ય વ્યાખ્યાઓ તેમ જ વિચારો તેમની પાસેથી સમાજને પ્રાપ્ત થયાં છે.

ઈ.સ. 1931ના ઉનાળામાં ગિરનાર, પ્રભાસ, પ્રાચી, સોમનાથ વગેરે સ્થળોનું પરિભ્રમણ શરૂ થયું. આ પરિભ્રમણથી તેમને ‘પ્રકૃતિમાં પણ ઈશ્ર્વર છે.’ તેવો આત્મસાક્ષાત્કાર થયો. તેમ છતાં પણ તેમની ઈશ્ર્વરની શોધ તો અધુરી જ રહી. જૂનાગઢ ગિરનારની ગુફામાં આત્મસાક્ષાત્કાર થયો અને એમણે ગેબીવાણી સાંભળી: ‘તારે સંસારમાં રહીને જ લોકકલ્યાણ કરવાનું છે. તો જ તું મોક્ષસિદ્ધિને પ્રાપ્ત કરી શકશે. તારે ગિરનારની શાંત ગુફામાં વિરક્ત જીવન ગાળવાની જરૂર નથી. તું તારા સ્થાને જો...!’ અને આ ગેબીવાણી સાંભળીને સંત ગૌરીશંકરને શ્રીમદ્ ભગવદ્ગીતાનો આ શ્ર્લોક યાદ આવ્યો :

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते,
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् |

(અ : 9 : 22)

અને સંતશ્રી ગૌરીશંકર મહારાજ ઈ.સ. 1932માં વેળાવદર ગામમાં આવીને રહેવા લાગ્યા અને આત્મકલ્યાણથી લોકકલ્યાણની યાત્રા શરૂ કરી, જ્યારે ખુદ ભગવાને એમના યોગક્ષેમનો ભાર ઉઠાવવાનું વચન આપ્યું છે ત્યારે સાંસારિક પદાર્થો, સાંસારિક મૂલ્યો, એષણા, તૃષ્ણામાં મન શા માટે પરોવવું? આમેય સંત શ્રી ગૌરીશંકરે તો આ સાંસારિક વાસનાઓ, મૂલ્યોનો ત્યાગ કર્યો જ હતો. ત્યાં આ ગેબીવાણીએ તેમનામાં બળ પ્રેર્યું અને સંસારમાંથી મનવાળી લીધું. વેળાવદર ગામથી એકાદ કિલોમીટર દૂર આશ્રમની સ્થાપના કરી અને જીવ્યા ત્યાં સુધી એ આશ્રમમાં રહ્યા. ચૈત્ર સુદ નોમ-રામનવમીને દિવસે (તા. 10-4-1965) સવારે 7.00 કલાકે ભૌતિક લીલાને સંકેલી લીધી.