ભુજઃ રાજધાની દિલ્હીના જંતરમંતર ખાતે નીટ પેપર લીક મામલે થયેલા આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓના ટેકામાં દિલ્હીના પોલીસ કર્મચારીએ નોકરી છોડી હોવાના ચર્ચાસસ્પદ બનાવ બાદ, પૂર્વ કચ્છમાં તેનાથી તદ્દન વિપરીત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ કચ્છના એક પોલીસ કર્મચારીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સેવા આપવાના હેતુથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મળતી વિગતો મુજબ, આડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રામગર મોહનગરે પૂર્વ કચ્છ પોલીસ વડાને પોતાનું રાજીનામું પાઠવ્યું છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, સંઘ અને સરકારને વધુ મજબૂત બનાવવાના હેતુથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય સેવા આપવા માંગે છે.
આ અંગે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે પણ પોલીસ કર્મચારી દ્વારા રાજીનામું સોંપવામાં આવ્યું હોવાની બાબતને સમર્થન આપ્યું છે.
રામગર ગુસાઈએ પોતાના નિર્ણય પાછળનું સંપૂર્ણ કારણ સમજાવતો એક વીડિયો બહાર પાડ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ દેશમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન યુવાનોના પક્ષમાં મોદીજી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સંપૂર્ણ સમર્થન કરે છે.
તેમણે કહ્યું કે સરકારી નોકરીઓ મહેનતથી મળે છે, અને તેમણે પણ આ પદ ખૂબ મહેનત પછી પ્રાપ્ત કર્યું હતું, પરંતુ હવે તેઓ મોદી સરકારના સમર્થનમાં રાજીનામું આપી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં, રામગરે કહ્યું કે દેશના યુવાનોએ RSS અને BJP સરકારને ટેકો આપવો જોઈએ. તેમણે RSS ને એક નિઃસ્વાર્થ સેવા સંગઠન તરીકે વર્ણવ્યું હતું અને પોતાનું આખું જીવન તેમને સમર્પિત કરવાનું વચન આપ્યું હતું. તેમણે 2029 માં ભારતમાં મોદી સરકાર અને RSS ફરીથી સ્થાપિત ન થાય ત્યાં સુધી પગરખાં પહેરવાનું છોડી દેવાની પ્રતીજ્ઞા લીધી હોવાનું પણ વીડિયોમાં દર્શાવ્યું હતું.