ભુજઃ દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કચ્છ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અમદાવાદ-વિરમગામ રેલવે સેક્શન પર પાણી ભરાઈ જવાના કારણે ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો અટવાઈ પડી હતી અને કલાકોના વિલંબ બાદ કચ્છ પહોંચી શકી હતી. જોકે, કચ્છથી મુંબઈ તરફ જતી બંને મુખ્ય ટ્રેનો રાબેતા મુજબ રવાના થતાં પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી વિગતો મુજબ, અગાઉ દહાણુ અને ત્યારબાદ ઉમરગામ પાસે ભારે વરસાદના પગલે ટ્રેક ધોવાઈ જતાં છેલ્લા ત્રણ દિવસથી ભુજથી ઊપડેલી ટ્રેનો મુંબઈ સુધી પહોંચી શકી ન હતી. ગઈકાલે ખાલી રેક ભુજ મોકલવામાં આવ્યા હતા. બિલીમોરા પાસે તેમજ છારોડી નજીક અમદાવાદ-વિરમગામ ટ્રેક પર ભારે પાણી ભરાઈ જતાં કચ્છ-અમદાવાદ વચ્ચેનો રેલ વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
ટ્રેક પર જળ ભરાવાને કારણે બરેલી-ભુજ એક્સપ્રેસને સૌપ્રથમ ચાંદલોડિયા સ્ટેશન પાસે ચાર કલાક જેટલો સમય થોભાવી દેવામાં આવતાં તે નવ કલાક મોડી થઇ હતી. ત્યારબાદ ભચાઉ નજીક નોન ઇન્ટરલોકકીંગ કામગીરીના કારણે ટ્રેન ફરી દોઢ કલાક અટવાઈ હતી. રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેનને સાંજે ૮:૦૦ વાગ્યે અને ત્યારબાદ રાત્રે ૧૦:૦૦ વાગ્યે ઉપાડવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ ટ્રેન અંતે ૧૨ કલાક જેટલી વિલંબિત થઈને રાત્રે ૧૦:૪૫ વાગ્યાના અરસામાં ભુજ પહોંચી હતી. ટ્રેન અતિશય મોડી પડવાના કારણે તેને ત્રીજી વખત 'રિ-શિડ્યુઅલ' કરવાની ફરજ પડી હતી.
મુંબઈ જતી ટ્રેનો રાબેતા મુજબ દોડી
છારોડી પાસે પાણી ભરાવાના કારણે સાંજના સમયે કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસના રૂટ બદલીને વાયા પાલનપુર દોડાવવાની જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ મોડી સાંજે પરિસ્થિતિમાં સુધારો આવતાં અને પાણી ઓસરતાં બંને ટ્રેનોને તેમના મૂળ નિયમિત રૂટ પરથી જ રવાના કરવાનો આખરી નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસ પણ તેના નિર્ધારિત રૂટ પરથી ગાંધીધામ આવવા રવાના થઇ હતી.
(ઉત્સવ વૈદ્ય)