Tue Aug 25 2026

Logo

કચ્છને આગામી 3 દિવસ ધમરોળશે મેઘરાજા: ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

2026-07-31 14:25:00
Author: Mumbai Samachar Team
કચ્છને આગામી 3 દિવસ ધમરોળશે મેઘરાજા: ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ભુજ: છત્તીસગઢ અને વિદર્ભ પર સર્જાયેલું 'ડીપ ડિપ્રેશન' હાલ પશ્ચિમ દિશા તરફ ૧૫ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીથી જૈસલમેર સુધી વિસ્તરેલી મોનસૂન ટ્રફ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ બરાબરનું સક્રિય થયું છે. 

હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન સમગ્ર કચ્છ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.
હવામાન વિભાગના વરતારા મુજબ, રણપ્રદેશ કચ્છ જિલ્લામાં  ૩૧ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા અને ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે જિલ્લાના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા સાથે અતિભારે વરસાદનું અલર્ટ જાહેર કરાયું છે. ૩ ઓગસ્ટ બાદ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ બાદ ધીમે-ધીમે વરસાદનું જોર ઘટશે. ત્યારબાદના દિવસો માટે કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી.

સત્તાવાર આંકડાઓ મુજબ, ચાલુ ચોમાસાની સીઝનમાં કચ્છમાં અત્યાર સુધી સરેરાશ માત્ર ૧૯ ટકા જ વરસાદ નોંધાયો છે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો છે. ગુરુવારે ભુજ સહિતના વિસ્તારોમાં દિવસ દરમિયાન અસહ્ય તાપ અને બફારો અનુભવાયો હતો. ભુજમાં મહત્તમ ૩૪.૨ ડિગ્રી સે, નલિયામાં મહત્તમ ૩૨.૦ ડિગ્રી, કંડલા એરપોર્ટ મધ્યે મહત્તમ ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું  

અસહ્ય ઉકળાટ વચ્ચે હવે સિસ્ટમ સક્રિય થતાં જ ધરતીપુત્રો સહિત સમગ્ર કચ્છવાસીઓ ચાતક નજરે મેઘરાજાના સાર્વત્રિક આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. 

(ઉત્સવ વૈદ્ય)