Fri Sep 04 2026

Logo

કચ્છમાં ઇંધણની તંગી, 35 પેટ્રોલપંપો પર આકસ્મિક તપાસમાં ગેરકાયદે ડીઝલ ઝડપાયું

2026-05-17 18:04:44
Author: Mumbai Samachar Team
કચ્છમાં ઇંધણની તંગી, 35 પેટ્રોલપંપો પર આકસ્મિક તપાસમાં ગેરકાયદે ડીઝલ ઝડપાયું

ભુજ:  અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધના પગલે કચ્છ જિલ્લામાં ઇંધણની તંગીની વિકટ સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં કલેક્ટરની સૂચના હેઠળ ગત રાત્રિ દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીઓ દ્વારા જિલ્લાના 35 પેટ્રોલપંપો પર આકસ્મિક તપાસ રૂપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રૂપિયા 4,86, 560 નો મુદ્દામાલ જપ્ત

આ તપાસ દરમિયાન પુરવઠા કચેરીની ટુકડીએ ભુજ-માધાપર ધોરીમાર્ગ પરથી પસાર થતી એક શંકાસ્પદ ટાંકાવાળી બોલેરો પીકઅપ અટકાવી હતી. વાહનની તલાશી લેતા તેમાંથી અંદાજે 2000 લિટર જેટલો જ્વલનશીલ ગેરકાયદેસર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર હાજર લક્ષ્મણ ડામોર નામના શખ્સ પાસે આ ઇંધણ અંગેના કોઈ જ કાયદેસર આધાર-પુરાવા કે માન્ય લાયસન્સ ન મળતાં, તંત્ર દ્વારા 2000  લિટર ડીઝલ અને બાઉઝર વાહન સહિત કુલ રૂપિયા 4,86, 560 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડૂતો માટે  ડીઝલની 200  લિટરની મર્યાદા 

ઇંધણની કૃત્રિમ અછત રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહીની તાકીદ કરવામાં આવી છે. સરકારી જોગવાઈ મુજબ ખેડૂતો માત્ર 200  લિટરની મર્યાદામાં જ ડીઝલ મેળવી શકે તેમ હોઈ, જરૂરિયાત કરતાં વધુ જથ્થાનો સંગ્રહ ન કરવા જણાવાયું છે. આ ઉપરાંત, પોતાનો ખાનગી કન્ઝ્યુમર પંપ ધરાવતા ટ્રાન્સપોર્ટરો કે ઔદ્યોગિક એકમોના વાહનો રીટેલ પંપ પરથી ડીઝલ લઈ શકશે નહીં. 

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગરના પરિપત્રનો અનાદર કરીને જો કોઈ કન્ઝ્યુમર પંપધારક રીટેલ પંપ પરથી ડીઝલ મેળવતા ઝડપાશે, તો સંબંધિત રીટેલ પંપ અને કન્ઝ્યુમર પંપધારક બંને સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈધ)