Mon Aug 17 2026

Logo

કુલગામ હુમલાનો મુખ્ય શંકાસ્પદ કોણ? પાકિસ્તાન ક્નેક્શન ખૂલતા તપાસનો ધમધમાટ શરૂ

2026-08-01 18:26:33
Author: Mumbai Samachar Team
Article Image

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આવેલા કુલગામમાં પ્રવાસી શ્રમિકો પર થયેલા ફાયરિંગ કેસમાં આતંકવાદી ક્નેક્શન સામે આવ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર જમ્મુ કાશ્મીરના કુલગામમાં કરવામાં આવેલો હુમલો એક ટાર્ગેટેડ હુમલો હતો. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર એ તોએબાના ઓફશુટ TRFએ સમગ્ર ઑપરેશનને અંજામ આપ્યો હતો. આ કેસમાં મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ તરીકે મોહમ્મદ લતીફ છે,જે કુલગામનો જ રહેવાસી છે. LeTમાં સામેલ થયા બાદ તે લાપતા થઈ ગયો હતો. આ પછી તે આતંકી સગંઠન LeTના કમાન્ડર ઝાકિર ગનઈનો ખૂબ નજીકનો વ્યક્તિ બની ગયો હતો. 

રાયફલ પરથી પર્દાફાશ
ગનઈ તા.5 જુલાઈના રોજ સૈન્ય ટુકડી સાથેની અથડામણમાં ઠાર મારવામાં આવ્યો હતો. એમનો મૃતદેહ કેટલાય દિવસો સુધી ચાલું રહેલા ઑપરેશન બાદ આશરે 8 જુલાઈના રોજ મળી આવ્યો હતો. ગનઈના મોત બાદ લતીફ સુરક્ષા ઘેરામાંથી નાસી છૂટ્યો હતો. લતીફ અને ઝાકિર ડીસેમ્બરમાં અનંતનાગ જિલ્લામાં જોવા મળ્યા હતા. એમનો એક ફોટો સીસીટીવી તસવીરમાં કેદ થઈ ગયો હતો. એન્જસીના રિપોર્ટ અનુસાર લતીફે જ કુલગામમાં હુમલો કર્યો હતો. આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે, તેણે બતાવી દીધું હતું કે, આ મોડલ હજું સુધી હુમલો કરવા માટે સક્રિય છે. ફોરેન્સિક પુરાવાઓને જોડવામાં આવે તો આ હુમલામાં ખાસ AK-47 રાઈફલ એ જ છે જે લતીફને આપવામાં આવી હતી. આ રાયફલનો ઉપયોગ તેણે પહેલા અનંતનાગમાં થયેલા ટાર્ગેટેડ હુમલામાં મુખ્ય હથિયાર તરીકે કર્યો હતો. કુલગામમાં હિટ એન્ડ રનના હુમલા માટે તપાસ કરનારાઓએ એક મોટો બદલાવ જોયો હતો. 

ચાર્જશીટ દાખલ કરાઈ
રિપોર્ટ અનુસાર ફાયરિંગ કરવા માટે તેણે નાની અને સરળતાથી છુપી શકાય એવી પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. લતીફ અને તેનો એક સાથી બાઈક પર આવ્યા હતા અને રાત્રે 8.30 વાગ્યે કેલન ગામમાં એક ઈંટના ભઠ્ઠામાં પ્રવાસી શ્રમિકો પાસે પહોંચ્યા હતા. ઓળખપત્ર ચેક કર્યા અને પછી ફાયરિંગ કર્યું હતું.ખૂબ જ નજીકથી ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાસ્થળેથી કેટલાક પુરાવાઓ પણ મળી આવ્યા હતા. સૈન્યના રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. ફાયરિંગનો પ્લાન બોર્ડર પાર બેઠેલા LeTના હેન્ડલર્સે કર્યો હતો. જેનો માસ્ટર માઈન્ડ સજ્જાદ જટ્ટ છે. જે મૂળ પાકિસ્તાનનો રહેવાસી છે. જેને LeTનો સિનિયર હેન્ડલર માનવામાં આવે છે. દક્ષિણ કાશ્મીરમાં થયેલા ટાર્ગેટેડ હુમલા તથા હત્યા સાથે પણ તેનું ક્નેક્શન છે. સમગ્ર હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કરી હતી. આ પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.