દિવસ ચોથો - 5-4-2026
‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના ચોથા દિવસે કૃષ્ણ જન્મ હોવાથી અને દિવસ રવિવારનો હોવાથી ભાવિકોનું પૂર ઉમટશે એવો અંદાજ હતો. જોકે, આ અંદાજ અધૂરો સાબિત થયો, કારણ કે મેદનીનો મહાસાગર ઉમટ્યો હતો. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કથા વાંચનમાં કૃષ્ણ જન્મની ભૂમિકા તૈયાર કરતી વખતે ભાગવતમાં વર્ણવેલા 24 અવતારની વાત એક પછી એક કરી રહ્યા હતા.
કથામાં વામન અવતાર અને નૃસિંહ અવતારનું રસપાન કર્યા પછી ભાઈશ્રીના મુખમાંથી કૃષ્ણ જન્મની ઘોષણા થતાની સાથે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’ના નાદસ્વર સાથે સમસ્ત સનાતન નગરીએ ગોકુળનું સ્વરૂપ ધારણ કરી લીધું. કૃષ્ણમય બનેલા અમુક ભક્તો તો આગળ પણ ગાઈ રહ્યા હતા ‘જશોદા કી કુખ ભયો જય કનૈયા લાલ કી, લડ્ડુ ગોપાલ આયો જય કનૈયા લાલ કી.’ બીજી તરફથી ‘ઢોલ વાગે મૃદંગ વાગે જય કનૈયા લાલ કી, બાજા બજે તબલાં બજે જય કનૈયાલાલ કી’ પણ સંભળાઈ રહ્યું હતું.
કણકણ મેં ભગવાનની જેમ સનાતન નગરીમાં હાજર ભાવિકોના રોમેરોમમાં લાલાના જન્મનો આનંદ વ્યાપી રહ્યો હતો. રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થયેલી કથામાં આસનસ્થ થયેલા ભાવિકો સાડા આઠ થયા હોવા છતાં કૃષ્ણ જન્મના આનંદમાં ઝૂમી રહ્યા હતા. હાજર દરેક ભાવિકના ઘરમાં કૃષ્ણ જન્મ થયો હોય એવું ઉત્સાહ-આનંદનું ઘોડાપુર જોવા મળ્યું હતું.
શ્રીકૃષ્ણ જન્મના મનોરથી સૌરભ મહેતા પરિવાર અને શીતલ બીરેન સંઘવી પરિવાર ઉત્સાહ - આનંદમાં તરબોળ થઈ ગયા હતા. નાચતા-ગાતા ધૂમધામથી તેમણે જન્મોત્સવની ઉજવણી કરી. કથાવાચન અને વિશેષ તો કૃષ્ણજન્મનું વર્ણન કરતી વખતે ભાવવિભોર થઈ ગયેલા ભાઇશ્રીએ મનોરથી પરિવાર અને સહ મનોરથી રમેશ પારેખ પરિવાર અને વીસ હજારથી વધુ સંખ્યામાં હાજર રહેલા ભાવિકોને કૃષ્ણ જન્મના વધામણાં કર્યાં હતા.
મથુરાની જેલમાંથી વાસુદેવ જે રીતે બાળકૃષ્ણને ટોપલામાં રાખીને ગોકુળ લઈ ગયા હતા એ જ રીતે મહેતા પરિવારના બાળકને એક શણગારેલા ટોપલામાં લાવવામાં આવ્યો ત્યારે ભાવિકોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. વામન અવતારના મનોરથી પરિવાર શ્રીમતી ભદ્રાબહેન ચિતલિયા તેમજ વિરલ ચિતલિયા - મિલન ચિતલિયા અને નૃસિંહ પરિવારના મનોરથી રિતેશ રૂપાણી અને શ્રીમતી રાધિકા રૂપાણી હતા.
‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ નિમિત્તે ભાષાવૈભવની વાત આગળ વધારી ભાઇશ્રીએ કહ્યું કે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ સંવાદ છે, રામકથા પણ સંવાદ છે. મહાભારત પણ સંવાદ છે. આપણા તમામ પુરાણો પણ સંવાદ છે. ભાષા એ પણ સંવાદ માટેનું માધ્યમ છે. ભાષા દ્વારા ભાવ, વિચારો પ્રગટ થાય. આપણે સામેવાળા સાથે સંવાદ સાધી શકીએ. ભાષા સાંકેતિક હોય અને ભાવની પણ હોય. તમે કશું પણ બોલ્યા નહોવા છતાં તમારા ચહેરાના હાવભાવ પરથી ખ્યાલ આવી જાય કે તમે આનંદમાં છો કે ગ્લાનિ અનુભવી રહ્યા છો.
તમારા મોઢામાંથી એક અક્ષર પણ ન નીકળે છતાં તમારી આંખમાં ભીતરના ભાવ ડોકિયાં કરી જ જાય. કોઈવાર એક શબ્દ કે સાધન સમગ્ર પ્રવૃત્તિની ઓળખ બની જાય એનું એક સુંદર દ્રષ્ટાંત રમેશ ભાઈજીએ આપ્યું. ‘એકવાર ઉત્તર ગુજરાતમાં કથા કરવા ગયો હતો ત્યારે અમે બે ચાર જણ વહેલા પહોંચી ગયા. અમારું સ્વાગત કરતી વખતે યજમાન બોલ્યા કે ‘તમારા પિપૂડીવાળા નહીં આવ્યા?’ બે ઘડી તો કંઈ હમજાણું નહીં. મારા ચહેરા પર પ્રશ્નાર્થ જોઈ એક ભાઈએ કહ્યું કે તમારું સંગીતવૃંદ નથી આવ્યું એમ પૂછે છે.
પિપૂડી એટલે ફૂંકીને વગાડવાની ભૂંગળી અથવા પાવો. દલપતરામના કાવ્યની એ પંક્તિ છે ને કે ‘પિપૂડી વગાડી એમાં કરી તે શું કારીગરી?’ જોકે, પિપૂડી વગાડવી ભાષા પ્રયોગ પણ છે જેનો અર્થ થાય છે એકની એક વાત કહ્યા કરવી અથવા ગાયા કરવી. ખુશામત કરવી કે હામાં હા ભણવી. વાદ, વિવાદ અને સંવાદ વિશે સમજાવતા ભાઈશ્રીએ કહ્યું કે ‘બે વિદ્વાન વચ્ચે ચર્ચા થાય એ વાદ કહેવાય, જિજ્ઞાસુ અને જાણકાર વચ્ચે થાય એ સંવાદ કહેવાય પણ જો એમાં વિવેકબુદ્ધિનો અભાવ હોય તો એ વિવાદ બની જાય છે.
તુષાર ત્રિવેદીએ ભાવિકોને તરબતર કરી દીધા
ભાઈશ્રીની અમૃતવાણીમાં કૃષ્ણજન્મનું રસપાન કર્યા પછી ભાવવિભોર થયેલા ભાવિકોને એ ભક્તિભાવનું અનુસંધાન જોડી આપનારો કાર્યક્રમ તુષાર ત્રિવેદી અને ગ્રૂપના સાનિધ્યમાં માણવાનો આનંદ મળ્યો. રવિવારનો દિવસ જાણે કે શ્રાવણ વદ આઠમનો ઉત્સવ દિન બની ગયો. કૃષ્ણ જન્મની વધાઈનું પદ રજૂ કરી તુષાર ત્રિવેદીએ ‘હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ’ ભજનની ધૂન બોલાવી અને ભાવિકો ફરી કૃષ્ણ જન્મના ઉત્સવમાં મગ્ન થઈ ગયા. કૃષ્ણ સાથે વાંસળીનું અતૂટ જોડાણ છે.
ભજન પછી વાંસળીના સૂર સાથે હે રે શ્રીજી તને સમરું બારે માસ રજૂ થયું ત્યારે ભાવિકોએ રાધે રાધે કહીને સૂર પુરાવતા સમગ્ર વાતવરણમાં જન્મોત્સવનો રંગ છવાઈ ગયો હતો. ‘ઘણી ઘણી ખમ્મા,મારા શ્રીજી બાવાને ઘણી ખમ્મા’ની રજૂઆતથી બધા ફરી ભક્તિમય બની ગયા હતા. લાલાના ઓવારણાં પણ હોંશે હોંશે લેવાઈ રહ્યા હતા. સાક્ષાત્ લાલો આંગણે આવ્યો હોય ત્યારે જીવન ઉત્સવ બની ગયું હોવાથી એનો આનંદ માણવા ‘આંગણે ઉત્સવ બની આવો શ્રીનાથજી’ રજૂ કરવામાં આવતા ભાવિકો રાજી થઈ ગયા હતા.
ભક્તિનો રંગ અનોખો હોય છે. બીજા બધા રંગ કાચા હોય છે. ઈશ્વર પ્રત્યેના સમર્પણ અને ગહન પ્રેમને વ્યક્ત કરતો ભક્તિનો રંગ અવિનાશી હોય છે. રંગાઈ જા ને રંગમાં જ્યારે પંક્તિ મટી અનુભૂતિ બની જાય ત્યારે બેડો પર થઈ જાય. ‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના ચોથા દિવસે રવિવારે કૃષ્ણ જન્મના આનંદોત્સવ પછી ભાવિકોને તુષાર ત્રિવેદી અને ગ્રૂપના કાર્યક્રમમાં શ્રીકૃષ્ણના ભજન-પદ ઉપરાંત પ્રભુભક્તિની અન્ય રચનાનો લ્હાવો હાજર લોકોને મળ્યો ત્યારે તેમને પણ બેડો પાર થઈ ગયો હોવાની લાગણી થઈ હશે.

ત્યારબાદ ‘આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી’ તેમજ અન્ય જન્મોત્સવના ગીત રજૂ થતા મનોરથી પરિવાર પણ આનંદવિભોર થઈ ગયા હતા. કૃષ્ણ ભક્તિના ભજન - પદ સંભળાવ્યા પછી તુષારભાઈએ ભાવિકોને કૃષ્ણ જન્મના ઉત્સવમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું અને ‘નંદ ઘેર આનંદ ભયો’ ‘બધાઈ હો બધાઈ હો બધાઈ હો’, ‘યશોદા કો લાલો ભયો’ ‘બધાઈ હો બધાઈ હો બધાઈ હો’ના નારાથી સમગ્ર એસી ડોમ ગૂંજી ઊઠ્યો. ત્યારબાદ ભગવાનના પ્રાગટ્યના ઉત્સવનું વર્ણન કરતું ‘બાળકૃષ્ણ પ્રગટ થયા રે’ રજૂ કરતા જ શ્રોતાગણમાં જન્મ વધાઈનો માહોલ રચાઈ ગયો.
આ સિવાય ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી’ની પહેલી પંક્તિ રજૂ થતાની સાથે શ્રોતાગણના બે હાથના વંદન અને શીશ નમન જોવા મળ્યા અને બીજી પંક્તિ ‘મારું મનડું છે ગોકુળ વનરાવન’ રેલાતાની સાથે વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. તુષાર ત્રિવેદી અને ગ્રૂપે એમની ભક્તિભાવથી ભરેલી રચનાઓથી કૃષ્ણ જન્મના આનંદને વધારી ભાવિકોને તરબતર કરી દીધા.