અમદાવાદઃ સિંગર કિંજલ રબારી ફરી એક વખત ચર્ચામાં આવી હતી. કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીને બે રબારીએ છરો બતાવીને ધમકી આપી હતી. તેમજ કારને ઓવરટેક કરીને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો.
શું છે મામલો
પાટણના અશોક ચૌધરી અને કિંજલ રબારીએ વર્ષ 2021ના પ્રેમ સંબંધ બાદ 2 મે, 2024ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. કિંજલનો પરિવાર આ લગ્નથી ખુશ ન હોવાથી વાત છૂટાછેડા સુધી પહોંચી હતી અને કોર્ટમાં કેસ ચાલતો હતો. કિંજલના પરિવાર તરફથી અશોક પર છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી.
15 જૂન, 2026ના રોજ અશોક કોર્ટની મુદ્દત પતાવીને તેના મિત્રો સાથે કારમાં મહેસાણા પાછો ફરી રહ્યો હતો ત્યારે બનાસ નદીના પુલ નજીક બે ગાડીઓએ તેમની કારને ટક્કર મારીને રોકવાનો પ્રયાસ કર્યો. કારમાંથી કિંજલના પરિવારના બે માણસો વિનોદ રબારી અને પ્રકાશ રબારી હાથમાં છરો લઈને નીચે ઉતર્યા અને અશોકને જો ફરી અહીં દેખાયો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી. અશોકના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી ગાડી ભગાડી મૂકતા બધાનો બચાવ થયો હતો. આ મામલે અશોકે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે રાધનપુરના સીનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. માર્ચ 2025માં તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી કે, મેં મારા પરિવારને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા આખરે લગ્નનો નિર્ણય લીધો હતો. સોશિયલ મીડિયામાં મારા પતિ સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. મારા લગ્નને લઈને કોઈએ ખોટી અફવાઓ ફેલાવવી નહીં.
આ ઘટનાના થોડા દિવસ બાદ કિંજલ ગામ પરત ફરી હતી અને તેણે સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથેના લગ્ન અને તેને લગતી તમામ તસવીરો, વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાલી દીધા હતા.
જાણો કોણ છે કિંજલ રબારી
રાધનપુરના સિનાડ ગામની કિંજલ રબારી આજે લોકસંગીતમાં જાણીતું નામ છે. ધો 1 થી 8 સુધી ગામની શાળામાં અભ્યાસ કરનારી કિંજલને તેના મોટાભાઈ તથા શાળાના શિક્ષકોએ ગાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલમાં માઈક પર ગાવાના અનુભવથી ધીમે ધીમે તે પ્રોગ્રામ કરતી થઈ હતી. આજે તેની ગણના ગુજરાતના જાણીતા કલાકારો પૈકીના એકમાં થાય છે. તેના યુટ્યુબ પર 30થી વધુ આલ્બમો છે. માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ તેણે કાર્યક્રમો આપ્યા છે.