પુણે: પુણેમાં રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર અને ટ્રેકર કેતન વિશાલ અગરવાલની હત્યા બાદ તેની માતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પુત્ર માટે ન્યાયની અપીલ કરી છે અને જણાવ્યું છે કે ‘પોતે કોઇ વિશેષ સહાનુભૂતિ કે રાહત નથી માગતી, પરંતુ તેના પુત્રની હત્યા માટે જવાબદાર લોકોને કડક સજાની માગ કરી રહી છે.
વડા પ્રધાનને ઇમેઇલ દ્વારા પાઠવેલા ભાવુક પત્રમાં રાખી અગરવાલે જણાવ્યું છે કે તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેને પોતાના પુત્ર માટે ન્યાય મેળવવા પત્ર લખવો પડશે. ‘દરેક માતાની જેમ પુત્રને જીવનમાં સફળતા હાંસલ કરતેા અને લગ્ન કરતો જોવાનાં સપનાં જોયાં હતાં, પરંતુ નસીબે પોતાના પુત્રના અંતિમ સંસ્કાર કરવાની વેદના આપી. આજે પણ ઘરના દરેક ખૂણે કેતનની યાદો જીવંત છે. તેની રૂમ, તેનાં કપડાં અને તસવીરો જોઇને પરિવારની આંખો ભીની થઇ જાય છે,’ એમ તેણે લખ્યું છે.
મારા પુત્રની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી અને તેની સાથે મારી પૂરી દુનિયા જતી રહી. અમારા ઘરનો દરેક ખૂણો તેની યાદ અપાવે છે. તેના હાસ્યનું સ્થાન લેનાર મૌન મને દરરોજ યાદ અપાવે છે કે તે હવે ક્યારેય પાછો નહીં આવે,‘ એમ વ્યથિત માતાએ કહ્યું છે.
કેતનની માતાએ પરિવારમાં બનેલી બીજી દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે જેમાં પુત્ર કેતનના મૃત્યુના 20 દિવસ બાદ તેના દાદાનું પણ દુ:ખના આઘાતથી અવસાન થયું. એક જ કુટુંબે ટૂંકા સમયગાળામાં બે જણને ગુમાવવાનો આઘાત સહન કર્યો.
કેતન માત્ર એક કેસનો ભોગ બનનાર વ્યક્તિ નહોતો, પરંતુ કોઇનો પુત્ર, પૌત્ર અને ભાઇ હતો. તેથી આ કેસને માત્ર કાનૂની કાર્યવાહી સુધી મર્યાદિત ન રાખી તેને માનવીય સંવેદના સાથે જોવાની જરૂર છે, એમ પત્રમાં જણાવ્યું છે.
પત્રના અંતે માતાએ લખેલા શબ્દો દરેકને ભાવુક કરી દે તેવા છે. ‘દરરોજ હું કેતનના ફોટા સામે ઊભી રહીને કહું છું, દીકરા, હું હજી પણ તારા માટે લડી રહી છું. મારી એક જ પ્રાર્થના છે કે એક દિવસ હું ગર્વથી કહીં શકું કે દીકરા તને ન્યાય મળ્યો. આ પત્ર માત્ર એક માતાની પીડા જ નહીં, પણ સમયસર અને નિષ્પક્ષ ન્યાય માટેની અપીલ તરીકે પણ સામે આવ્યો છે.’ (પીટીઆઇ)