Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે લોખંડી સુરક્ષા વ્યવસ્થા, હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું

2026-07-14 18:31:11
Author: Mumbai Samachar Team
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે લોખંડી સુરક્ષા વ્યવસ્થા, હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

આ ઐતિહાસિક રથયાત્રા સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા સુદ્રઢ આયોજનના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.રાજ્ય પોલીસ વડા  જી.એસ.મલિક અને શહેર પોલીસ કમિશનર  અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. 

ઇમરજન્સી સેવાઓના આગોતરા આયોજન અંગે ચર્ચા 

નાયબ મુખ્યમંત્રીએ રૂટના સંવેદનશીલ પોઇન્ટ્સ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ઇમરજન્સી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

18 ગજરાજ, 103  ટ્રક, 30  અખાડા અને  ભજન મંડળીઓ જોડાશે

રથયાત્રાના રૂટ નિરીક્ષણ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16.2 કિલોમીટરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરશે, જેમાં 3  મુખ્ય રથો સાથે 18 ગજરાજ, 103  ટ્રક, 30  અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે. 

રથયાત્રાની લોખંડી સુરક્ષા વ્યવસ્થા 

સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રથયાત્રાની લોખંડી સુરક્ષા માટે સમગ્ર રૂટને 26  રેન્જ, 53 એરિયા અને 1397  પોઈન્ટ્સમાં વહેંચીને 10 આઇજી/ડીઆઇજી, 42 ડીસીપી, 88  એસીપી અધિકારીઓ સહિત 30,000 થી વધુ પોલીસ જવાનો, 15  એસઆરપીએફ અને 9  સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 

3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ

રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ વિશે જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવા માટે સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરીંગ તથા 3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

100 થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ

100 થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે GPS,  સીસીટીવી અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ, એન્ટી-ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’ જેવી  ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. 

કાયદો-વ્યવસ્થાની સાથે પોલીસે છેલ્લા એક મહિનાથી તમામ સમાજો સાથે બેઠકો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ યોજીને ભાઈચારાનું અદભુત વાતાવરણ ઊભું કર્યું છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીએ પોલીસ વિભાગ અને સૌ નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. 

ભયજનક ઈમારતો પર ચઢવાનું ટાળવા અપીલ કરી

નાયબ મુખ્યમંત્રીએ શહેરીજનોને કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી વગર ભગવાનના દર્શન કરવા અને સુરક્ષાના ભાગરૂપે રૂટ પરની ભયજનક ઈમારતો પર ચઢવાનું ટાળવા અપીલ કરી હતી.