Tue Jul 14 2026

Logo

પુણેમાં ઇમારત ધરાશાયી: ખાનગી કંપનીના બે અધિકારી સામે બેદરકારી, સલામતીમાં ત્રૂટિ બદલ એફઆઇઆર નોંધાયો

2026-07-14 17:25:29
Author: Yogesh D. Patel
Article Image

પુણે: પુણે જિલ્લામાં કચરામાંથી વીજળી ઉત્પાદન કરવાના પ્લાન્ટની ઉપર બાંધવામાં આવેલી ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં નવ લોકોનાં થયેલા મૃત્યુને મામલે પોલીસે ખાનજી ઊર્જા કંપનીના બે અધિકારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો.એન્ટોની લારા રિન્યુએબલ એનર્જી પ્રા. લિ.ના પ્રોજેક્ટ હેડ અશોક ગુપ્તા અને પ્લાન્ટના સેફટી ઓફિસર વિજય સપકાળ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ), 125 (માનવ જીવનને જોખમમાં મૂકતું બેદરકારીભર્યું કૃત્ય) તથા અન્ય સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પિંપરી-ચિંચવડ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપના મોશી ખાતે કંપની પ્લાન્ટ ચલાવતી હતી, જ્યાં 8 જુલાઇના રોજ આ ઘટના બની હતી. પિંપરી-ચિંચવડ પાલિકાના અધિકારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ભારે વરસાદથી સ્થળ પર સેનિયરી લેન્ડફિલ (એસએલએફ) માટે જોખમ ઊભું થઇ શકે છે એ જાણતા હોવા છતાં સલામતીનાં પગલાં લેવામાં આવ્યાં નહોતાં.સલામતીના કોઇ પગલાં લેવામાં ન આવતાં 8 જુલાઇએ ત્રણ માળની ઇમારત પર એસએફએલનો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં નવ લોકોના જીવ ગયા હતા.

પાલિકાએ સોમવારે જણાવ્યું હતું કે ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીની વિનંતી પર ગ્રાઉન્ડ ફ્લોર માટે ઑક્યુપન્સી સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું હતું.પિંપરી-ચિંચવડ પાલિકાના કમિશનર ડો. વિજય સૂર્યવંશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ-સ્તરીય ટેક્નિકલ તપાસ સમિતિની રચના કરી છે.શહેરી વિકાસ વિભાગે આ ઘટનાની ‘નિષ્પક્ષ અને વ્યાપક ટેક્નિકલ તપાસ’ કરવા અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે પગલાં લેવાની ભલામણ કરવા સ્વતંત્ર સમિતિની નિમણૂક કરી છે. સમિતિનું નેતૃત્વ ડિવિઝનલ કમિશનર શીતલ તેલી-ઉગલે કરશે અને તેમાં મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેના ડી. એન. સિંહ તથા એન્વાયર્નમેન્ટલ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ અનિલ કુમાર દીક્ષિતનો સમાવેશ હશે. (પીટીઆઇ)