સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વની અપડેટ છે. સુરત મનપા દ્વારા અગાઉ વહીવટી કારણોસર સ્થગિત કરવામાં આવેલી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મનપાના કુલ 7 સંવર્ગની પરીક્ષા આગામી 26 જુલાઇ અને 9 ઓગષ્ટના રોજ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના રીક્રુટમેન્ટ વિભાગ દ્વારા વિવિધ સંવર્ગોની સીધી ભરતી માટેની લેખિત પરીક્ષાઓ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ આ પરીક્ષાઓ ચાલુ માસની ૧૨ તારીખે યોજાવાની હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેને પાછી ઠેલવામાં આવી હતી. હવે સુરત મહાનગરપાલિકાના ભરતી વિભાગ દ્વારા જારી કરાયેલી નવીનતમ માર્ગદર્શિકા અનુસાર, કુલ 7 કેડરોની જગ્યાઓ માટેની આ પરીક્ષાઓ આગામી 26 જુલાઈ 2026 અને 9 ઓગસ્ટ 2026 ના રોજ બે અલગ-અલગ તબક્કામાં આયોજિત કરવામાં આવશે.
સુરત મનપા દ્વારા લેવાનારી પરીક્ષામાં જુદા જુદા સાત સંવર્ગનો સમાવેશ થાય છે. જે પૈકી લેબોરેટરી ટેકનિશિયન અને ક્લાર્ક-III (ઓડિટ)ની પરીક્ષા 26 જુલાઈ, 2026, રવિવારના રોજ લેવામાં આવશે. રેડિયોગ્રાફિક ટેકનિશિયન,પ્લાનિંગ આસિસ્ટન્ટ, મેડિકલ ઓફિસર, મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ) અને ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષા 9 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે.
પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે પરીક્ષાનો સિલેબસ અને અન્ય જરૂરી સૂચનાઓ (FAQs) સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર અગાઉથી જ ઉપલબ્ધ છે. પરીક્ષા કેન્દ્રનું સ્થળ, સમય અને કોલ લેટર અંગેની વિગતો ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મારફત ટૂંક સમયમાં જણાવવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંગેના તમામ અપડેટ્સ મેળવવા માટે ઉમેદવારોને સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પરના 'Recruitment Dashboard' ની નિયમિતપણે મુલાકાત લેવા સૂચના આપવામાં આવી છે.