ભુજ: ગુજરાતના એક જાણીતા અખબારના નખત્રાણા સ્થિત પત્રકારના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં જમા થવા મામલે ગંભીર ગુનો નોંધાયો છે. પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ના સાયબર સેલની તપાસ બાદ નખત્રાણા પોલીસ મથકે પત્રકાર નવુભા સવાઈસિંહ સોઢા સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવેલાં ચોંકાવનારા આંકડા મુજબ, આરોપીએ બેન્ક ઓફ બરોડાની નખત્રાણા શાખામાં 'આશાપુરા એસોસિએટ્સ'ના નામે ખાતું ખોલાવ્યું હતું. સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતી અનુસાર, આ ખાતા સામે બિહાર અને ગુજરાતમાં સાયબર ફ્રોડની ત્રણ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં કુલ ૧૯.૧૬ લાખ રૂપિયા જમા થયા હતા. વધુ ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે ૧૨ માર્ચ ૨૦૨૪થી ૨૬ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન આ એક જ ખાતામાં રૂ. ૪૧ કરોડ ૭૪ લાખ ૬૦ હજાર ૩૫૦નો જંગી વ્યવહાર થયો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ સાયબર ઠગોને બેન્ક ખાતું ભાડે આપવા બદલ આરોપી સામે કાર્યવાહી થઈ ચૂકી છે.
આરોપી નવુભા સોઢા રાજ્યકક્ષાના એક દૈનિકના બ્યૂરો ચીફ તરીકે ફરજ બજાવવાની સાથે વિવિધ સંગઠનોમાં હોદ્દેદાર હોવાનો દાવો કરે છે, પરંતુ તેનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. ૨૦૧૮માં તેના પર હત્યાના પ્રયાસનો કેસ નોંધાયો હતો, જ્યારે ૨૦૧૯માં ભુજના એડવોકેટ હેનરી જેમ્સ ચાકો પર થયેલા હુમલાના કાવતરામાં પણ તેની અટકાયત કરવામાં આવી હતી. આ સિવાય તેની સામે મારામારી, ડોમેસ્ટિક વાયોલન્સ અને આઈ.ટી. એક્ટ સહિતના અનેક ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે.
ઉત્સવ વૈદ્ય