Fri Sep 04 2026

Logo

મહિલા પર્યટક સાથે બેહૂદું વર્તન કરી પરિવાર પર હુમલો: નવની ધરપકડ

2026-07-14 18:08:00
Author: Yogesh C. Patel
મહિલા પર્યટક સાથે બેહૂદું વર્તન કરી પરિવાર પર હુમલો: નવની ધરપકડ

નાશિક: નાશિક જિલ્લાના ભાવલી ડેમ ખાતે મહિલા પર્યટક સાથે કથિત ગેરવર્તન કર્યા પછી તેના પરિવારના સભ્યો પર અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યાની ઘટનામાં પોલીસે મંગળવારે નવ શકમંદની ધરપકડ કરી હતી.

રવિવારે બનેલી આ ઘટના અંગે 44 વર્ષની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર મહિલા તેના પતિ, દીકરા-દીકરી, દિયર અને બે ભત્રીજા સાથેે ડેમ નજીકના વૉટરફોલ્સની મજા માણવા ગઈ હતી. તે સમયે બે યુવકે સીટી વગાડી તેમને ચીડવવાનું શરૂ કર્યું હતું.

મહિલાના પરિવારના સભ્યોએ યુવકોના આવા વર્તનનો વિરોધ કર્યો હતો. રોષે ભરાયેલા તોફાનીઓએ મહિલાના પરિવાર પર હુમલો કર્યો હતો. મહિલાનાં કપડાં ફાડ્યાં હતાં અને તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. મહિલાના પતિેએ મોબાઈલ ફોન પાછો લેવાનો પ્રયત્ન કરતાં આરોપીઓએ તેની મારપીટ કરી 20 ગ્રામની સોનાની ચેન ઝૂંટવી લીધી હતી.

ફરિયાદીનો પરિવાર ઘટનાસ્થળેથી રવાના થઈ જતાં આરોપીઓએ એક કાર અને બાઈક પર તેમની એસયુવીનો પીછો કર્યો હતો. એસયુવીને રસ્તામાં આંતરી આઠથી નવ જણે બામ્બુ, લોખંડના સળિયા અને બેઝબૉલ બૅટ્સથી એસયુવીની તોડફોડ કરી હતી.
મહિલાને કારમાંથી ઊતરવાની ફરજ પાડી તેનો કથિત વિનયભંગ કરવામાં આવ્યો હતો. એક આરોપીએ તો બેઝબૉલ બૅટ મહિલાના માથા તરફ વીંઝી હતી, પણ સમયસર નીચે બેસી જતાં તે બચી ગઈ હતી.

ઘટનાસ્થળેથી હેમખેમ નીકળી ગયેલા પરિવારે ઈગતપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ મંગળવારે નવ માથાભારેની ધરપકડ કરી હતી. 

આરોપીઓ વિરુદ્ધ વિનયભંગ, હત્યાનો પ્રયાસ અને લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી ગિરનારે, નંદગાંવ સાડો અને માણિકખાંબ ગામના રહેવાસી છે. અન્ય છથી સાત જણને વીડિયો ફૂટેજને આધારે ઓળખી કાઢવામાં આવ્યા હોઈ તેમની શોધ ચાલી રહી છે. એક આરોપી ભોઈર વિરુદ્ધ 2020-21માં હત્યાનો ગુનો નોંધાયો હતો, એમ નાશિક ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ડી. એસ. સ્વામીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)