Tue Jul 14 2026

Logo

નાગપુર રેલવે સ્ટેશન પર યુવકનો હંગામો: ટ્રેન પર ચઢીને હાઈવોલ્ટેજ વાયર પકડ્યો

2026-07-14 19:08:53
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: મધ્ય રેલવેના નાગપુર રેલવે સ્ટેશને એક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જ્યાં એક યુવક ગૂડ્સ ટ્રેન પર ચઢીને જઈને જોરદાર હંગામો કર્યો હતો, જ્યારે એનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ તેની હરકતને વખોડી નાખી હતી.

મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ગૂડ્સ ટ્રેન પર ચઢી જઈને યુવકે ખૂબ ધમાલ કરી હતી. આ ઘટનામાં પહેલા તો આ યુવક એક માલગાડી પર ચઢી ગયો હતો. ત્યાર બાદ ઓએચઈ (ઓવરહેડ ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ) તારને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વીજળીનો પ્રવાહ રોકી દેવામાં આવતા તારમાં કરંટ આવ્યો નહોતો. 

યુવકે વીજળીના તારને પકડ્યો 

કરંટ નહીં આવતા યુવકે ઝડપથી કૂદકો મારી અને ફરી સામે ઊભેલી એક માલગાડી પર પહોંચી ગયો હતો, અને ત્યાંના વીજળીના તારને પકડી લીધો હતો. આ વખતે આ તારમાં કરંટ હોવાથી યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

માર્ચ 2026માં મહારાષ્ટ્રના થાણેમાં એક વ્યક્તિ ઓવરહેડ વાયરના એક થાંભલા પર ચઢી ગયો હતો અને બાદમાં તે પાટાઓ પર પડી જતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ વ્યક્તિની ઉંમર 35 વર્ષ આસપાસ હતી અને અધિકારીઓના તમામ પ્રયાસો બાદ પણ તે થાંભલા પર ચઢી ગયો હતો અને પછી લપસીને પાટા પર પડી ગયો હતો. આ ઘટનામાં તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. આવી ઘટનાઓ ટ્રેન સેવાઓ પર અસર કરે છે, જેથી પ્રવાસીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.