નવી દિલ્હીઃ ચારધામ યાત્રા 2026ને લઈને અત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે 15 એપ્રિલ સાંજ સુધીમાં જેટલા ભક્તોએ ચારધામ યાત્રા માટે નોંધણી કરાવી છે, તેના આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 18 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સૌથી વધારે કેદારનાથ માટે નોંધણી કરાવવામાં આવી છે. કેદારનાથ માટે 5.96 લાખ ભક્તોએ નોંધણી કરાવી લીધી છે.
બદ્રીનાથ ધામ માટે અત્યાર સુધીમાં 5.10 નોંધણી કરાવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બદ્રીનાથ ધામ માટે અત્યાર સુધીમાં 5.10 નોંધણી કરાવી છે. ગંગોત્રી માટે 3.06 લાખ અને યમુનોત્રી માટે 2.98 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આંકડા પ્રમાણે હેમકુંડ સાહિબ માટે અત્યાર સુધીમાં 16,250 લોકોએ નોંધણી કરાવી છે. અધિકારીઓનું કહેવું છે કે, ચારધામ યાત્રા માટે હજી પણ નોંધણીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે અહીં વ્યવસ્થા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હિમવર્ષાએ સ્થાનિક વહીવટીતંત્ર માટે પડકાર ઊભો કર્યો
ચિંતાની વાત એ છે કે, તાજેતરની હિમવર્ષા પણ સ્થાનિક વહીવટીતંત્ર માટે પડકાર ઉભો કરી રહી છે. એટલું જ નહીં પરંતુ ચારધામ યાત્રાની નોંધણીમાં સાયબર ફ્રોડની સમસ્યા પણ એક ખતરો દેખાઈ રહ્યો છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર સેલ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું. યાત્રાની નોંધણી માટે ફેક વેબસાઈટ્સ દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. આવી વેબસાઈટથી સાવધાન રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
નકલી વેબસાઇટથી સાવધાન રહેવા અપીલ
સ્કેમર્સ નકલી વેબસાઇટ પણ એવી રીતે બનાવે છે કે, તે સંપૂર્ણ રીતે સત્તાવાર વેબસાઇટ જેવી દેખાય છે અને પ્રવાસીઓને લલચાવવા માટે તેના પર જાહેરાતો ચલાવે છે. જ્યારે લોકો આ સાઇટ્સ પર ક્લિક કરે છે, તેમને વાસ્તવિક માનીને, સ્કેમર્સ વોટ્સએપ અથવા અન્ય ચેનલો દ્વારા સંપર્ક સ્થાપિત કરે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે. જેથી તેમનાથી સાવધાન રહેવું જોઈએ.